અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ડમ્પર કાળમુખા બની ફરી રહ્યા છે. ભૂતકાળમાં ડમ્પરની અડફેટે અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજે ફરી એકવાર ડમ્પરે અકસ્માત સર્જતા અમરેલી પાલિકા સદસ્યનું મોત નિપજયું હતું. અમરેલી તાલુકાના ઈશ્વરીયા ગામ પાસે સાંજના સુમારે માતેલા સાંઢની જેમ જતાં ડમ્પરે એક કાર અને મોટર સાયકલને અડફેટે લેતા એક યુવાનનું મોત નિપજયું હતું. જાણવા મળતી માહિતી મુજબ ઈશ્વરીયા ગામ નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. સ્વિફટ કાર, ડમ્પર અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં અમરેલી નગરપાલિકાના સદસ્ય સની ડાબસરાનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. જયારે ડમ્પર ચાલક અને બાઈક ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.