અમરેલી શહેરમાં છેલ્લાં ઘણા સમયથી જીઆઈડીસીના વેપારીઓના પ્રશ્નનું નિરાકરણ આવ્યું નથી. જેને લઈ આજે જીઆઈડીસીના વેપારીઓ અને તંત્ર વચ્ચે પ્રશ્નના નિરાકરણ અંગે બેઠક યોજાઈ હતી. અમરેલી જીઆઈડીસીના વેપારીઓ વર્ષોથી લાઠી ફાટક પાસે વાહન ચલાવતા હતા ત્યારે અચાનક જ જે માર્ગ પરથી વાહન ચાલતા હતા તે માર્ગ ખાનગી માલિકીનો હોવાથી આ માર્ગ પ્લોટધારકે બંધ કરી દીધો હતો. જેને લઈ જીઆઈડીસીના વાહનોને ફરજિયાત હનુમાનપરા વિસ્તારમાં થઈને લાઠી બાયપાસ જવા માટેની ફરજ પડી હતી. હનુમાનપરા વિસ્તારમાંથી વાહનો ચાલતા હોવાથી આ માર્ગ પર સોસાયટીઓ અને શાળાઓ આવેલી હોવાથી વિસ્તારવાસીઓને અકસ્માતનો ભય સતાવતો હતો. આ બાબતે રહીશો દ્વારા અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેથી છેવટે વિસ્તારવાસીઓએ જુના માર્ગ પર પ્લોટધારકે દિવાલ ચણી લીધી હોય તે દિવાલને ધરાશાયી કરવામાં આવી હતી તો પ્લોટ ધારકે પોતાની જમીનમાંથી વાહન ચાલે નહી તે માટે મસમોટી ગટર ખોદી નાખતા રહેવાસીઓ રોષે ભરાયા હતા અને લાઠી ફાટક પાસે રામધૂન બોલાવી પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો જેને લઈ ડીવાયએસપી, મામલતદાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમજાવટના પ્રયાસો હાથ ધર્યા હતા. આ બાબતે આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રાંત કચેરી ખાતે પોલીસ તંત્ર, જીઆઈડીસીના વેપારીઓ, વિસ્તારવાસીઓએ પાલિકના સ્ટાફ અને પ્રાઈવેટ પાર્ટીર્ની બેઠક યોજાઈ હતી. કલાકો સુધી ચાલેલી આ બેઠકમાં કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા વિસ્તારવાસીઓ અને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે ખાનગી પ્લોટના માલીકોએ ગઈકાલે થયેલ નુકશાન બદલ પોલીસ ફરીયાદ કરી હોવાનું જાણવા મળેલ છે.

વેપારીઓનો પ્રશ્ન હલ નહી થાય તો શહેરને આર્થિક નુકસાન
જીઆઈડીસીમાંથી વાહનો લાઠી ફાટક થઈને જતા હોવાથી આ માર્ગ બંધ કરવામાં આવ્યો હતો જેથી વાહનોને ફરજિયાત હનુમાનપરા, પાઠક સ્કૂલ થઈને લાઠી બાયપાસ થઈને જવુ પડે છે. આ અંગે જીઆઈડીસીના વેપારીઓએ જણાવ્યું હતું કે હનુમાનપરા વિસ્તારમાંથી વાહન ચલાવવા માટે લોકો વિરોધ કરી રહ્યાં છે. ગરનાળા નીચેથી મોટા વાહનો જઈ શકતા નથી. વિસ્તારમાંથી વાહનો ચલાવવા દેતા નથી જેથી જા આવી પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં શહેરના જીઆઈડીસી વિસ્તારમાં કોઈ નવા ઉદ્યોગ આવી શકશે નહી જેના કારણે શહેરને આર્થિક નુકસાન થઈ શકે છે જેના કારણે અનેક લોકોની રોજીરોટી પર અસર થાય તેમ છે. શહેરમાં હજારો લોકોને રોજીરોટી આપતા શિતલના આઈસ્ક્રીમના માલીક દિનેશભાઈ ભુવાએ રોષપુર્વક જણાવ્યું હતું કે જા રસ્તા બાબતે યોગ્ય નિરાકરણ નહિ આવે તો આગામી સમયમાં જીઆઈડીસીના એક પણ ઉદ્યોગકાર નવા ઉદ્યોગ શરૂ કરશે નહી અને ધીમેધીમે પોતાના ધંધાઓ અન્ય શહેર તરફ લઈ જશે.

‘અભણ’ ચીફ ઓફિસરને શહેરનું કાંઈ જ્ઞાન નથી
અમરેલી નગરપાલિકાએ યોજાયેલ બેઠકમાં જીઆઈડીસીના વેપારીઓ અને વિસ્તારવાસીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં પ્રાંત અધિકારી, મામતલતદાર, ચીફ ઓફિસર પટેલ સહિત પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા. જયાં વિસ્તારવાસીઓએ હનુમાનપરા માર્ગ કેટલો પહોળો છે તેવું પૂછતા ચીફ ઓફિસર પટેલે માથુ ખંજવાળ્યુ હતું અને અન્ય પાલિકાના કર્મચારીને આ બાબતે પુછ્યુ હતું તેમજ દબાણ કેટલુ દૂર કરાયુ હોવાનું પુછતા ચીફ ઓફિસરે ફરી માથુ ખંજવાળ્યુ હતું અને આ બાબતે કર્મચારીને પુછ્યુ હતું. આમ, શહેરની જવાબદારી જેના શિરે છે તેવા ચીફ ઓફિસરને રસ્તા બાબતે કે દબાણ બાબતે કોઈ જ્ઞાન ન હોવાથી ચીફ ઓફિસરની લાયકાત સામે સવાલો ઉભા થયા છે.