ભારતીય રિઝર્વ બેંક સતત નવમી વખત રેપો રેટ યથાવત રાખી શકે છે. કેન્દ્રીય બેંકની મોનેટરી પોલિસી કમિટીની બેઠક ૬ ઓગસ્ટથી શરૂ થશે અને તેના નિર્ણયો ૮ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. વિશ્લેષકોનું કહેવું છે કે તાજેતરના મહિનાઓમાં ખાદ્ય ફુગાવાના ઊંચા સ્તરને કારણે આરબીઆઈની સમસ્યાઓમાં વધારો થયો છે. આવી સ્થિતિમાં ઓક્ટોબર સુધી દરમાં ઘટાડો કરવાની કોઈ અવકાશ નથી.
વિશ્લેષકોના મતે આર્થિક ગતિવિધિઓમાં વધારો આરબીઆઈને વર્તમાન સ્તરે દર જાળવી રાખવાનો અવકાશ આપશે. બેંક ઓફ બરોડાના અહેવાલ મુજબ, રેપો રેટમાં ઘટાડો ત્યારે જ થશે જ્યારે આરબીઆઈને વિશ્વાસ હશે કે ફુગાવાનું દબાણ ઓછું થઈ રહ્યું છે, અથવા વધુ ઘટી શકે છે. રિપોર્ટ મુજબ ખાદ્યપદાર્થોનો ફુગાવો ઊંચો છે. રિટેલ ફુગાવો જૂનમાં ૫.૧%ની ચાર મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. મે મહિનામાં તે ૪.૮ ટકા હતો. આ સાથે, મોંઘવારી દર સળંગ ૫૭માં મહિને આરબીઆઈના ચાર ટકાના લક્ષ્યાંકથી ઉપર છે.
છેલ્લા કેટલાક મહિનામાં ફુગાવામાં મોટાભાગનો વધારો ખાદ્ય ફુગાવાના કારણે થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે છેલ્લા ૮ મહિના અને ૧૩ મહિનામાં શાકભાજી અને કઠોળના ભાવમાં ૧૦ ટકાથી વધુનો વધારો થયો છે. આવી સ્થિતિમાં કોર ફુગાવામાં ઘટાડાની આશા ઠગારી નીવડી રહી છે. આ સિવાય ટામેટાં, બટાકા અને ડુંગળી પર પણ સતત મોંઘવારીનું દબાણ જળવાઈ રહ્યું છે. જુલાઈમાં તેમની કિંમતોમાં ૫૦% થી વધુનો વધારો થયો હતો. જેના કારણે આગામી સમયમાં મોંઘવારીમાંથી રાહત મળવાની આશા ઓછી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર પહેલા રેપો રેટ અથવા આરબીઆઈના વલણમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. આરબીઆઈ આવનારા ડેટા પર નજર રાખશે. જા તેમાં કંઈક સકારાત્મક જાવા મળે છે તો રેપો રેટમાં ઘટાડો થઈ શકે છે. હજુ પણ ડિસેમ્બર પહેલા આની કોઈ શક્યતા નથી.