(એ.આર.એલ),જૂનાગઢ,તા.૮
આગામી તા.૧૨ નવેમ્બર થી તા.૧૫ નવેમ્બર સુધી યોજાનારી પરંપરાગત ગિરનારની લીલી પરિક્રમા ની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર એ પૂર્ણ કરી છે. જૂનાગઢ કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને ગિરનારની પરિક્રમાની તૈયારી અંગેની બેઠક મળી હતી જેમાં કલેકટર સહિતના જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સાધુ સંતો તેમજ અન્ન ક્ષેત્રોના પ્રતિનિધિઓ એ યાત્રાળુ માટે જરૂરી વ્યવસ્થાઓ સુવિધા અંગે સંવાદ કરી પરિક્રમા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય અને યાત્રાળુઓને અગવડતા ન પડે તે માટે આખરી આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે ગિરનારની લીલી પરિક્રમામાં યાત્રાળુઓની કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત વિભાગોએ આયોજન કર્યું છે ગિરનારની લીલી પરિક્રમામાં જંગલ સ્વચ્છ રહે રૂટ ઉપર ક્યાંય કચરો ન થાય તેમજ અન્ય ક્ષેત્રો દ્વારા ગંદકી કરવામાં ન આવે અને તે માટેની વ્યવસ્થામાં તંત્રને સહયોગ આપવામાં આવે તે માટે કલેક્ટર અનુરોધ કર્યો હતો અને સ્વચ્છતા ની તમામ કામગીરી પર દેખરેખ રાખવામાં આવશે તેમ પણ કલેકટરે જણાવ્યું હતું. અન્ન ક્ષેત્રો સહિતના સંસ્થાઓએ પરિક્રમામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે જન જાગૃતિ અને સંસ્થાઓ દ્વારા પણ પૂરતા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
ગિરનારની પરિક્રમા યાત્રાળુઓને હાર્ટ એટેક આવે તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે વ્યવસ્થાઓ કરાશે. આ ઉપરાંત કર્મચારી અધિકારીઓને સીપીઆરની ટ્રેનીંગ પણ અપાશે. પોલીસ વિભાગ દ્વારા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમ કલેક્ટરએ જણાવ્યું હતું. વન વિભાગ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત અને માર્ગો મરામત અને અન્ય સુવિધાઓ ની પણ તૈયારી કરવામાં આવી રહી છે. આ બેઠકમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને મહંત ઈન્દ્રભારતી બાપુ દ્વારા યાત્રાળુઓ બહુ વહેલી પરિક્રમા શરૂ ન કરી દે અને પરિક્રમા ના રૂટ પર જ પરિક્રમા કરે અને યાત્રાળુઓ સહેલાઈથી પરીક્રમાં પૂર્ણ કરે તે બાબતે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત પરિક્રમા બાદ જંગલમાં માવાના પ્લાÂસ્ટક મોટા પ્રમાણમાં જાવા મળતા હોય છે. ગત વર્ષની વાત કરવામાં આવે તો ૨૦૨૩ની પરિક્રમા બાદ ૨૦ ટન માવા અને ગુટખાના પ્લાસ્ટક મળ્યા હતા. ત્યારે આવી ઘટનાઓ ફરી ન બને તેને લઇ પરિક્રમામાં માવા(ફાકી) ખાતા લોકો પર ખાસ નજર રહેશે અને પરિક્રમાના ૪ પ્રવેશ દ્વારો પર મુલાકાતીઓનુ ચેકિંગ કરવામાં આવશે.
સ્પેશિયલ ટ્રેનની સગવડતા ઉભી કરાઇ જૂનાગઢમાં પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વેરાવળ-ગાંધીગ્રામ અને જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે.ટ્રેન નંબર ૦૯૫૫૬ વેરાવળ-ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેન વેરાવળથી ૨૧.૨૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૮.૦૦ કલાકે ગાંધીગ્રામ પહોંચશે. આ ટ્રેન માળીયા હાટીના, કેશોદ, જૂનાગઢ, જેતલસર, વિરપુર, ગોંડલ, ભક્તનગર, રાજકોટ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર જંકશન, બોટાદ, ધંધુકા, ધોળકા, બાવળા અને સરખેજ સ્ટેશન પર ઉભી રહેશે.
ટ્રેન નંબર ૦૯૫૫૫ ગાંધીગ્રામ-વેરાવળ વિશેષ ટ્રેન ગાંધીગ્રામથી સવારે ૧૦.૧૦ વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે ૧૭.૪૦ વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન રૂટમાં સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ધસા, લાઠી, ચિતલ, વડીયા દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના સ્ટેશનો પર ઉભી રહેશે.ટ્રેન નંબર ૦૯૫૭૯ રાજકોટ-જૂનાગઢ વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે ૧૦.૫૫ વાગ્યે ઉપડશે અને બપોરે ૧૩.૦૦ વાગ્યે જૂનાગઢ પહોંચશે. એ જ રીતે, બદલામાં, ટ્રેન નંબર ૦૯૫૮૦ જૂનાગઢ-રાજકોટ સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી ૧૩.૪૦ કલાકે ઉપડશે અને ૧૭.૦૫ કલાકે રાજકોટ પહોંચશે.