ગોંડલ માર્કેટિંગ યાર્ડ, જે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું અગ્રણી માર્કેટિંગ યાર્ડ ગણાય છે, ત્યાં આજે લાલ ચટાક મરચાંની મબલક આવક નોંધાઈ છે. યાર્ડમાં અંદાજે ૪૫ થી ૫૦ હજાર ભારી મરચાંની આવક થતાં યાર્ડ બહાર ૩ થી ૪ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો લાગી ગઈ હતી. પરિણામે, યાર્ડના સત્તાધીશો દ્વારા વધુ જાહેરાત ન થાય ત્યાં સુધી મરચાંની આવક હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. ગોંડલનું મરચું માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના લોકોમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. આજે થયેલી હરરાજીમાં મરચાંના સરેરાશ ૨૦ કિલોના ભાવ રૂ. ૧૦૦૦થી લઈને રૂ. ૩૮૦૦ સુધી બોલાયા હતા.