બાબરા તાલુકાના ચમારડી ગામના લાંબા સમયથી પડતર તળાવ વિકાસના પ્રશ્નનો અંત આવ્યો છે. લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની રજૂઆતને પગલે નર્મદા જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા તળાવના મજબૂતીકરણ અને ઊંડા કરવાના કામ માટે રૂ. ૧૦.૩૮ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી ચમારડી ગામના ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. લાઠી-બાબરા-દામનગર પંથકમાં રસ્તાઓ, ખેડૂતોના પ્રશ્નો કે પાણીની સમસ્યાઓના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેતા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના સૂત્રને સાર્થક કરવા વિવિધ વિભાગોમાંથી ગ્રાન્ટ મેળવી વિકાસ કાર્યોની હારમાળા સર્જી છે. ગામના લોકોએ તળાવના વિકાસ માટે મળેલી ગ્રાન્ટને લઈને ખુશી વ્યક્ત કરી હતી અને ધારાસભ્યની કામગીરીને બિરદાવી હતી. આ પ્રોજેક્ટથી ગામમાં જળસંગ્રહની ક્ષમતા વધશે અને ખેતી તેમજ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.