ગુજરાતની જાણીતી અભિનેત્રીને પ્રખ્યાત પણ પ્રતિબંધિત સ્થળે રીલ બનાવવી ભારે પડી ગઈ છે. તેણે પ્રતિબંધ હોવા છતાં ઇન્સ્ટાગ્રામ પર વધુ લાઇક્સ મેળવવાની લ્હાયમાં ધોધની બાજુમાં બેસીને વીડિયો બનાવ્યો હતો. આમ ગુજરાતની જાણીતી અભિનેત્રી ઝીલ જોશીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ઝીલે પ્રતિબંધ હોવા છતાં જમજીર ધોધ ઉપર રીલ બનાવી હતી તેના પગલે તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ઘાટવડ ગામ નજીક આવેલા પ્રખ્યાત જમજીર ધોધની બાજુની કોતરો ઉપર અમદાવાદની વતની ગુજરાતી અભિનેત્રી ઝીલ જોશીએ ધોધની નજીક વીડિયો રીલ ઉતારી પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરી હતી. તેથી કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ અભિનેત્રી સામે ફરિયાદ નોંધાતાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.