જસદણના શિવરાજપુર ગામે રહેતા કારખાનેદાર આધેડે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ ઘર છોડી દઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવમાં કારખાનેદારે ૬ શખ્સો સામે વ્યાજખોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. જસદણ તાલુકાના શિવરાજપુર ગામે ખોડીયારનગરમાં રહેતા છગનભાઈ જીવાભાઈ મુલાણી(ઉ.વ.૪૯) નામના આધેડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આધેડનું નિવેદન લઈ જસદણ પોલીસને જાણ કરી હતી. આ બનાવમાં છગનભાઈએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈ આ પગલું ભર્યું હોય આ અંગે તેમણે જસદણ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં આરોપીઓ તરીકે જસદણમાં રહેતા સમીર, હુસેન, ઉદય દિલીપભાઈ ધાધલ, ભાભલુ, શિવરાજપુરમાં રહેતા ક્રિપાલ ગભરૂભાઈ મોડા અને અશોક ચનાભાઈ ગોલાણીના નામ આપ્યા હતા. તેમણે વ્યાજે રૂપિયા લીધા હતા અને તેનું નિયમિત વ્યાજ પણ આપતા હતા. પરંતુ મંદીના કારણે વ્યાજ ચૂકવી ન શકતા તે ઘરે આવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. તેમજ પ્રોમિસારી નોટ પણ લખાવી લીધી હતી. વ્યાજખોરોની ધમકીઓથી ડરી જઈ બે દિવસ પૂર્વે તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા હતા અને બાદમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ફરિયાદના આધારે જસદણ પોલીસે ૬ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.