ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયા.
દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ભારતીય મૂળનાં કમલા હેરિસને હરાવીને ફરી પ્રમુખપદની ચૂંટણીમાં જીતીને ડોનાલ્ડ ટ્રમ્પે ઈતિહાસ રચી દીધો. અમેરિકામાં ટ્રમ્પ પહેલાં ગ્રોવર ક્લેવલેન્ડ એકમાત્ર એવા રાજકારણી હતા જે પહેલાં પ્રમુખ બન્યા પણ બીજી ટર્મમાં હારી ગયા. ચાર વર્ષ પછી ફરી ચૂંટણી જીતીને બીજી વાર પ્રમુખ બન્યા. ન્યૂયોર્ક સ્ટેટના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર ક્લેવલેન્ડે પ્રમુખપદની ચૂંટણીમાં ૧૮૮૪માં જીત મેળવી હતી પરંતુ ૧૮૮૮માં બેન્જામિન હેરિસન સામે હારી ગયા હતા. ૧૮૯૨માં ક્લેવલેન્ડ ફરી ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ઉતર્યા અને બેન્જામિન હેરિસનને હરાવીને પ્રમુખ બન્યા.
ટ્રમ્પે પણ આ ઈતિહાસ દોહરાવ્યો છે.
ટ્રમ્પ હિલેરી ક્લિન્ટનને હરાવીને ૨૦૧૬માં પ્રમુખપદની ચૂંટણી જીત્યા હતા. જો કે પહેલી ટર્મ પૂરી કરીને ચાર વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ રહેલા ટ્રમ્પ ૨૦૨૦માં જો બાઈડેન સામે હારી ગયા હતા. આ વખતે ટ્રમ્પનો મુકાબલો જો બાઈડેન સામે જ થાય એવી શક્યતા પહેલાં હતી પણ ડેમોક્રેટિક પાર્ટીમાં જ બાઈડેન સામે અસંતોષ ઉભો થતાં બાઈડેન ખસી ગયા અને કમલા હેરિસને પ્રમુખપદનાં ઉમેદવાર બનાવ્યાં.
કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર બનાવાયાં ત્યારે કમલાની તરફેણમાં વાતાવરણ બની રહ્યું હોય એવું લાગતું હતું પણ ટ્રમ્પે આક્રમક ચૂંટણી પ્રચાર દ્વારા બાજી પલટી નાંખી અને કમલા હેરિસને હરાવીને ઈતિહાસ રચી ગયા. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી જીત્યાના ત્રણ મહિના પછી એટલે કે ૨૦ જાન્યુઆરીએ નવા પ્રમુખ તેમનો કાર્યભાર સંભાળતા હોય છે તેથી ટ્રમ્પ પણ પ્રમુખપદની બીજી ઈનિંગ ૨૦ જાન્યુઆરી, ૨૦૨૫થી શરૂ કરશે.

ટ્રમ્પની બીજી ઈનિંગ કેવી હશે ?
વિશ્વ અત્યારે યુધ્ધોમાં સપડાયેલું છે. ઈરાન અને ઈઝરાયલ વચ્ચે જંગ ચાલી રહ્યો છે, ઈરાનના બીજા સાથી દેશો પણ ઈઝરાયલ સાથેના યુધ્ધમાં વ્યસ્ત છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુધ્ધનો પણ અંત દેખાતો નથી. આ માહોલમાં ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના પ્રમુખ તરીકેની ઈનિંગ શરૂ કરી રહ્યા છે તેથી ટ્રમ્પ પાસેથી સમગ્ર વિશ્વને બહુ આશાઓ છે. રશિયા વર્સીસ યુક્રેન તથા ઈઝરાયલ વર્સીસ ઈરાનના યુધ્ધને કારણે દુનિયાના અર્થતંત્રને મોટો ફટકો પડ્‌યો છે તેથી બધાં આ યુધ્ધ બંધ થાય તેમ ઈચ્છે છે પણ કોઈ બંધ કરાવી શકતું નથી.
ટ્રમ્પ આ બંને યુધ્ધનો અંત લાવીને શાંતિ સ્થાપશે એવી આશા રખાય છે. આ આશા વાંઝણી પણ નથી કેમ કે ટ્રમ્પ ધારે તો બંને યુદ્ધ બંધ કરાવી શકે છે. યુક્રેન અને ઈઝરાયલ બંને અમેરિકાનાં સાથી છે અને બંને અમેરિકાના જોરે જ યુધ્ધ લડી રહ્યાં છે.
રશિયા અને યુક્રેનના યુધ્ધમાં અમેરિકા સીધું સામેલ નથી પણ યુક્રેનને તન, મન, ધનથી મદદ કરી જ રહ્યું છે. અમેરિકા યુક્રેનને મદદ બંધ કરી દે તો ઝેલેન્સ્કીની તાકાત નથી કે રશિયા સામે ટકી શકે. અમેરિકા તથા પશ્ચિમના દેશો યુક્રેનને મદદ કરવાનું બંધ કરશે તો આપોઆપ યુક્રેન ઠંડું પડી જશે ને યુધ્ધ પણ ઠડું પડી જશે. અમેરિકા વિશ્વમાં શાંતિ ઈચ્છતું હોય તો અમેરિકાએ યુક્રેનને શસ્ત્રો આપવાનું બંધ કરવું જોઈએ અને બીજી સહાય પણ ના કરવી જોઈએ. અમેરિકા યુક્રેનને બીજી ૬૦ અબજ ડોલરની સહાય મંજૂર કરવાની ફિરાકમાં છે. ટ્રમ્પ આવીને આ સહાય બંધ કરે તો પણ યુધ્ધ પતી જાય. ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વ્લાદિમિર ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરી છે અને યુક્રેન યુદ્ધ ખતમ કરવા ચર્ચા પણ કરી છે.
ટ્રમ્પ પુતિન સાથે સંધિ કરીને પણ યુધ્ધનો અંત લાવી શકે છે. થોડા સમય પહેલાં પુતિને અમેરિકા તથા પશ્ચિમના દેશો તરફ દોસ્તીનો હાથ લંબાવ્યો હતો. પુતિને કહેલું જ કે, અમેરિકા તથા તેના સાથી દેશો બે વર્ષથી ચાલતા યુધ્ધમાં યુક્રેનને તન, મન, ધનથી મદદ કર્યા પછી પણ રશિયાનું કે મારું કશું ઉખાડી શક્યા નથી ને હવે પણ કંઈ ઉખાડી શકવાના નથી. આ વાસ્તવિકતાને સમજીને તમને વારું છું તો પાછા વળી જાઓ, બાકી હારીને પાછા વળવું પડશે. ટ્રમ્પ આ વાસ્તવિકતા સમજીને રશિયાને યુક્રેન પરનું આક્રમણ બંધ કરવા પણ કહી શકે છે.
ઈઝરાયલ આક્રમક છે પણ અમેરિકાને નારાજ કરીને ઈઝરાયલ જંગ ચાલુ રાખે એ વાતમાં માલ નથી. ઈરાનને સીધું કરવામાં અમેરિકાને પણ રસ છે. આ કારણે ટ્રમ્પે પણ ઈઝરાયેલ પાસે ઈરાન સામે કાર્યવાહી કરવા ૨૦ જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. ટ્રમ્પ ઈચ્છે છે કે પોતે પ્રમુખપદના શપથ લે તે પહેલાં ઈઝરાયેલ ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલા કરી તેને ખતમ કરી નાંખે. ટ્રમ્પનું ટાર્ગેટ છે કે ઈઝરાયેલ ૧૨ જાન્યુઆરી પહેલાં ઈરાનના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યાપારિક કન્ટેનરોને નિશાન બનાવે. ઈરાનની તાકાત ઓઈલ છે તેથી ઈઝરાયલ તેને રફેદફે કરી નાંખે પછી ઈરાન હુમલા કરવાની હિંમત ના કરે એ જોતાં ટ્રમ્પની વ્યૂહરચના કામ કરી શકે છે.

ભારત અને ભારતીયો તરફ ટ્રમ્પનું વલણ કેવું હશે ?
ટ્રમ્પને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ
આભાર – નિહારીકા રવિયા મિત્ર ગણવામાં આવે છે પણ ભારત સાથેના સંબંધોમાં ટ્રમ્પ મિત્ર તરીકે નથી વર્ત્યા એ વાસ્તવિકતા છે. ભારતને જનરલ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી બહાર મૂકીને નિકાસને મોટો ફટકો મારનારા ટ્રમ્પે એચવન-બી વિઝાના મુદ્દે પણ ભારતની કંપનીઓને ફટકો પડે એવા નિર્ણય લીધા હતા.
ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ભારત વિરોધી નિવેદનો આપ્યાં હતાં.
ટ્રમ્પે મિશિગનના ફિ્‌લન્ટમાં ભારતને ‘વેરી બિગ એબયુઝર’ ગણાવીને કહેલું કે, ભારતીયો લાગે છે એવા પછાત નથી પણ મહાલુચ્ચા છે. ભારતીયો આ લુચ્ચાઈનો ઉપયોગ આપણી સામે કરે છે અને અમેરિકાની પ્રોડક્ટ્‌સ પર જંગી કરવેરા લાદે છે. ટ્રમ્પના કહેવા પ્રમાણે, ચીન સાથે પનારો પાડવો સૌથી મુશ્કેલ છે પણ ટ્રમ્પે ચીનના માલ પર કરવેરા લાદીને તેમને સીધા કરી નાખેલા. ભારત અને બ્રાઝિલ પણ આકરાં છે એવું કહીને ટ્રમ્પે પોતે ભારતના માલ પર એવો જ આકરો ટેક્સ લાદશે એવું પણ કહેલું.
ટ્રમ્પને ભારતીયો સહિતના તમામ વિદેશીઓ સામે પણ ખાર છે.
ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની વાતો કરે છે તેમાં વિદેશીઓ માટે કોઈ સ્થાન નથી. અમેરિકામાં અમેરિકનોને જ પ્રાધાન્ય મળે અને બહારના દેશોના લોકોનો પ્રવેશ પર આકરા નિયંત્રણો લદાય એ ટ્રમ્પના પ્રચારનો મુખ્ય મુદ્દો હતો. ટ્રમ્પ સતત કહ્યા કરે છે કે ગમે તે ભોગે અમેરિકાના હિતો જાળવવાં પડે, અમેરિકનોના હિતો જળવાવાં જોઇએ. વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તા એટલે કે સુપર પાવર તરીકે અમેરિકાનો પ્રભાવ વિશ્વ ઉપર રહેવો જ જોઇએ. આ માટે અમેરિકા પર અમેરિકનોનું નિયંત્રણ હોવું જોઈએ અને એ માટે બહારના લોકો અમેરિકામાં સરળતાથી ના આવી શકે એવી નીતિઓ બનાવવી પડે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, બ્રાઝિલ, મેક્સિકો, ફિલિપાઈન્સ અને અલ સેલ્વેડોર એમ વિશ્વનાં છ રાષ્ટ્રોમાંથી આવતા વસાહતીઓ અમેરિકામાં આવી અમેરિકાનું ખાઈને અમેરિકાને જ અસામાન્ય નુકસાન કરે છે એવી વાતો પણ કરી છે. આ છ દેશના ગેરકાયદેસર રીતે રહેતા લોકોને એલિયન એનિમિઝ એક્ટ હેઠળ જેલમાં ધકેલી દેવાની ધમકી પણ ટ્રમ્પ આપી ચૂક્યા છે. ટ્રમ્પનું આ વલણ જોતાં ભારત અને ભારતીયો માટે ટ્રમ્પના શાસનકાળમાં અચ્છે દિન નહીં હોય એ સ્પષ્ટ છે. જો કે ભારત થોડુંક સમાધાન કરીને અમેરિકા પાસેથી ફાયદો લઈ શકે છે. અમેરિકા સ્વાર્થી છે ને પોતાના લાભ વિના કશું કરતું નથી. અમેરિકા દુનિયામાં સૌથી મોટો વેપારી દેશ છે ને પોતાનો ફાયદો
આભાર – નિહારીકા રવિયા થતો હોય તો ગમે તેવા દેશને પણ પડખામાં લેતાં ખચકાતું નથી. ભારતના કિસ્સામાં પણ ટ્રમ્પને વાંધો એ જ છે કે, ભારત અમેરિકાના હિતો સાચવતું નથી. આ સ્થિતી બદલી શકાય તેમ છે ને અમેરિકાને ભારત થોડોક પણ ફાયદો કરાવે તો ટ્રમ્પ ભારતના થઈને
રહેશે. sanjogpurti@gmail.com