મહારાષ્ટ્ર અને ઝારખંડનાં પરિણામ આવી ગયાં.
મહારાષ્ટ્રમાં કોઈને કલ્પના નહોતી એવી ભવ્ય જીત સાથે ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિએ સત્તામાં વાપસી કરી છે. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં ભાજપે પોતે ૧૩૨ બેઠકો જીતી છે જ્યારે તેના નેતૃત્વ હેઠળના મોરચાને ૨૩૦ બેઠકો મળી છે. મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીની કારમી હાર થઈ પછી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપના નેતૃત્વ હેઠળની મહાયુતિ હારી જશે એવું સૌએ માની લીધેલું પણ તેના બદલે અલગ જ પરિણામ આવ્યાં છે.મહારાષ્ટ્રનાં પરિણામોમાં સૌથી ખરાબ હાલત ઉધ્ધવ ઠાકરેની થઈ છે. ઉધ્ધવ ઠાકરેની શિવસેનાને ગણીને ૨૦ બેઠકો મળી છે. ઉધ્ધવ ઠાકરેનો દીકરો આદિત્ય ઠાકરે મુંબઈની વરલી બેઠક પરથી એક સમયે હારી જશે એવું લાગતું હતું પણ છેવટે શિંદેની શિવસેનાના મિલિન્દ દેવરા સામે ૮૦૦૦ મતે જીતતાં સાવ આબરૂ ના ગઈ પણ કારમી હાર તો ચોક્કસ થઈ છે.
ઠાકરે પરિવારના જ બીજા નબિરા રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પણ ભૂંડી રીતે હારી ગઈ છે. ઉધ્ધવનો દીકરો કમ સે કમ જીત્યો તો ખરો જ્યારે રાજ ઠાકરેનો દીકરો અમિત ઠાકરે તો જીતી પણ શક્યો નથી. અમિત ઠાકરે મુંબઈની માહિમ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યો હતો પણ છેક ત્રીજા નંબરે આવ્યો છે. ઉધ્ધવ ઠાકરેની શિવસેનાના મહેશ બલિરામ સાવંતે અમિત ઠાકરેના વિધાનસભામાં બેસવાના સપનાને ચકનાચૂર કરી દીધું.મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો દબદબો છેલ્લાં ચાર દાયકાથી છે પણ આ પરિણામો પછી ઠાકરે પરિવારના રાજકીય અસ્તિત્વ સામે સવાલ ઉભો થઈ ગયો છે. એકનાથ શિંદેએ ઉધ્ધવ ઠાકરે સામે બળવો કર્યો ત્યારે જ ઉધ્ધવ પતી જશે એવું કહેવાતું હતું પણ લોકસભાની ચૂંટણીમાં ઉધ્ધવની શિવસેનાએ ૯ બેઠકો જીતતાં લોકોએ બાળાસાહેબના સાચા વારસ તરીકે ઉધ્ધવને સ્વીકાર્યા છે એવી ધારણ બંધાયેલી.મહારાષ્ટ્રમાં ૧૯૯૫માં શિવસેના અને ભાજપની સરકાર રચાઈ ને મનોહર જોશી શિવસેનાના પહેલા મુખ્યમંત્રી બન્યા પછી શિવસેનાનો આટલો ખરાબ દેખાવ કદી નથી થયો. વિધાનસભાની આ ચૂંટણીનાં પરિણામો જોયા પછી ફરી ઉધ્ધવનું રાજકીય ભાવિ ખતરામાં લાગવા માંડ્‌યું છે ને સાથે સાથે ઠાકરે પરિવારનો રાજકીય દબદબો પતી જવાનાં એંધાણ પણ દેખાઈ રહ્યાં છે.મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવાર ભોંયભેગો થયો પણ ઝારખંડમાં સોરેન પરિવારે પોતાનો દબદબો જાળવ્યો.ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ ફરી સત્તા કબજે કરીને ઝારખંડમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. ભાજપની સરકારે હેમંત સોરેનને જેલની હવા ખવડાવી અને તેમનાં ભાભી સીતા સોરેનને જેએમએમ છોડાવીને પોતાની પંગતમાં બેસાડી દીધાં. ભાજપે સોરેન પરિવારમાં ફાટફૂટ પડાવીને ઘર ફૂટે ઘર જાય કહેવત અજમાવી જોઈ પણ સફળ ના થયો.સોરેન પરિવારનો દબદબો છેલ્લાં ચાર દાયકાથી છે અને આ દબદબો હેમંતના પિતા શિબુ સોરેને ઉભો કરેલો. સાંથાલી આદિવાસીઓમાં દિશોમ ગુરૂ (દેશના ગુરૂ) તરીકે ઓળખાતા શિબુ સોરેન ત્રણ વાર મુખ્યમંત્રી બન્યા, ત્રણ વાર કેન્દ્રીય મંત્રી બન્યા, હેમંત બે વાર મુખ્યમંત્રી બન્યા. આ દરમિયાન સોરેન પરિવારે અબજોનો ભ્રષ્ટાચાર કર્યો છે તેથી સોરેન પરિવાર પાસે જબરદસ્ત મની પાવર તો છે જ પણ મસલ પાવર પણ છે. આ મસલ પાવરના જોરે જ શિબુ સોરેન ઝારખંડના રાજકારણમાં પોતાની ધાક અને વર્ચસ્વ જમાવી શક્યા છે.શિબુ સોરેને ૧૮ વર્ષની ઉંમરે સંથાલ નવયુવક સંઘની સ્થાપના કરીને તત્કાલિન બિહારમાં કાળો કેર વર્તાવેલો. શિબુએ ગુંડાગીરીથી ધાક ઉભી કર્યા પછી ૧૯૭૨માં એ.કે. રોય અને બિનોદ બિહારી મહાતો સાથે મળીને ઝારખંડ મુક્તિ મોરચાની સ્થાપના કરી હતી. આ સંગઠનના નેજા હેઠળ સોરેને આદિવાસીઓને અધિકારો અપાવવાના નામે ચળવળ શરૂ કરી. શિબુ બિન આદિવાસીઓની જમીનો પર કબજો કરીને આદિવાસીઓને ખેતી કરવા આપી દેતા તેથી ઝડપથી લોકપ્રિય થયા.
શિબુ અદાલત ભરીને ન્યાય આપતા. તેમના ચુકાદાનું પાલન ના કરે તેને પતાવી દેવાતા. ૧૯૭૫માં શિબુએ બહારનાં લોકોને આદિવાસી વિસ્તારોમાંથી હાંકી કાઢવા ચળવળ શરૂ કરી હતી. એ વખતે ફાટી નિકળેલી હિંસામાં ૨૩ જાન્યુઆરી ૧૯૭૫ના રોજ ચિરુદીહમાં ૯ મુસ્લિમો સહિત ૧૦ લોકોની હત્યા કરાઈ હતી. આ કેસમાં શિબુ મુખ્ય આરોપી હતા પણ આ વાતને દબાવી દેવાયેલી. જો કે ૨૦૦૪માં આ કેસ ખૂલ્યો ત્યારે શિબુ સોરેન કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. આ કેસમાં શિબુ સોરેને મહિનો જેલમાં પણ રહેવું પડેલું.શિબુ સોરેન ૧૯૯૩ના જેએમએમ લાંચ કેસમાં પણ બદનામ થયેલા. નરસિંહરાવ સરકારની તરફેણમાં મતદાન કરવા બદલ સોરેને લાખોની લાંચ લીધેલી. તેમનો પર્સનલ સેક્રેટરી શશિકાન્ત ઝા બધું જાણતો હતો તેથી હિસ્સો માંગતાં તેને પણ પતાવી દેવાયેલો. આ
આભાર – નિહારીકા રવિયા કેસમાં શિબુને આજીવન કેદની સજા થતાં ભારતના ઈતિહાસમાં કોઈ કેન્દ્રીય મંત્રીને ખૂન કેસમાં સજા થઈ હોય એવું પહેલી વાર બનેલું. શિબુ પછીથી નિર્દોષ છૂટી ગયેલા.
શિબુનો રાજકીય વારસદાર તેમનો મોટો દીકરો દુર્ગા હતો. દુર્ગા સોરેન ૨૦૦૯માં ૩૯ વર્ષની ઉંમરે શંકાસ્પદ સંજોગોમાં ગુજરી ગયો એ પહેલાં તેનો પણ ભારે વટ હતો. દુર્ગા આદિવાસી વિસ્તારોમાં સમાંતર સરકાર ચલાવતો. બાપની જેમ અદાલતો ભરીને ન્યાય તોળતો. ઝારખંડ મુક્તિ મોરચાના કાર્યકરો તેનો પડ્‌યો બોલ ઉઠાવતા તેથી દુર્ગા બેફામ દારૂ પીતો અને આદિવાસીઓની છોકરીઓ સાથે અય્યાશીઓ કરતો. ડોક્ટરોએ દુર્ગાના મોતનું કારણ કિડની ફેઈલ થઈ ગઈ હોવાનું આપેલું. દુર્ગાને અનેક રોગ હતા એવો દાવો પણ કરેલો. સોરેન પરિવારે દુર્ગાનું મોત ઉંઘમાં જ થઈ ગયેલું એવું કહેલું પણ મીડિયાના રિપોર્ટ પ્રમાણે ડોક્ટરોએ દાવો કરેલો કે, દુર્ગાને હોસ્પિટલ લવાયો ત્યારે તેનું શરીર અકડાઈ ગયેલું અને ઠંડું પડી ગયું હતું.બોકારોના તત્કાલિન એસપી લક્ષ્મણ પ્રસાદ સિંહે દુર્ગાની હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. તેના માથાના પાછળના ભાગમાં વાગેલું હતું જ્યારે પથારી પાસે લોહીના છાંટા મળ્યા હતા. દુર્ગાના મોત વખતે શિબુ અને હેમંત સોંરેન દિલ્હી ગયેલા જ્યારે સીતા એકલી તેની સાથે હતી તેથી સીતા શંકાના દાયરામાં આવી ગઈ હતી. સોરેન કેન્દ્રમાં મંત્રી હતા તેથી કેસ દબાઈ ગયેલો.શિબુને હેમંત અને બસંત એમ બીજા બે દીકરા છે પણ દુર્ગા જીવતો હતો ત્યારે હેમંત કે બસંત ચિત્રમાં નહોતા. દુર્ગાના ૨૦૦૯માં મોત પછી બંને રાજકારણમાં સક્રિય થયા. દુર્ગાના મોત પછી શિબુ સોરેને હેમંતને રાજકીય વારસ બનાવતાં જંગ શરૂ થયો કેમ કે દુર્ગાની પત્ની સીતા મહત્વાકાંક્ષી હતી.સીતાને શિબુ સોરેન પછી નંબર ટુ બનવાના અભરખા હતા પણ શિબુએ મચક ના આપી. પરિવારનો ઝગડો દબાવવા શિબુ સોરેને સીતાને ૨૦૦૯ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપી પણ હેમંતને રાજકીય વારસ બનાવી દેતાં ૨૦૧૩માં હેમંત પહેલી વાર મુખ્યમંત્રી બન્યો. હેમંત ભણેલો છે તેથી તેણે ઝડપથી જેએમએમ પર પકડ જમાવીને સીતાને હાંસિયામાં ધકેલી દીધી. ૨૦૧૯માં હેમંત ફરી મુખ્યમંત્રી બન્યો પછી સીતા સતત સરકાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા જ કરતી હતી પણ શિબુ કે હેમંત તેને ગણકારતા નહોતા.
હેમંત જેલમાં ગયો એ પહેલાં હેમંતના સ્થાને તેની પત્ની કલ્પનાને મુખ્યમંત્રી બનાવવાની વાત શરૂ થતાં સીતાએ કલ્પનાને મુખ્યમંત્રી બનાવાય તો બગાવત કરવાની ચીમકી આપેલી. શિબુએ પરિવારનો જાહેરમાં ભવાડો રોકવા ચંપઈને મુખ્યમંત્રી બનાવી દીધા પણ ત્યાં જ સુપ્રીમ કોર્ટે હેમંતને જામીન આપતાં સીતા ભાજપમાં જતી રહેલી.
હેમંત અને સીતામાંથી કોણ મેદાન મારે છે અને શિબુ સોરેનનો અસલી રાજકીય વારસ સાબિત થાય છે તેના માટેનો આ જંગ હતો ને તેમાં હેમંત મેદાન મારી ગયો છે ને સીતા પતી ગઈ છે.
sanjogpurti@gmail.com