જમીની પાણીનાં તળ સતત ઉંડા ઉતરી રહ્યા છે. ત્યારે જળ સંચય પ્રવૃત્તિ ભૂતકાળમાં ગુજરાતમાં સફળ રહી છે. ભૂતકાળમાં લોક ભાગીદારી થકી ચેકડેમ, તળાવો, નિર્માણમાં સ્વૈચ્છીક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો અને જનતાએ મન મૂકીને કામો કર્યા જેના સારા પરિણામો પણ આવ્યા છે.
કચ્છની સૂકી ધરામાં જયાં ખેતીવાડીમાં ૮૦૦ થી ૧૦૦૦ ફૂટના બોરમાં પાણી ન હતાં. એવા મંગવાડા ગામમાં રવજીભાઈ ડાયાભાઈ શિરવીની મહેનત અને ગ્રામજનો તેમજ દાતાઓનો સહયોગ રંગ લાવ્યો છે. કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મંગવાડા ગામમાં ડાયાબાપા શિરવી સાવ સામાન્ય ખેડૂત હતા. પરિવારના ૬ બાળકોને અઢી વિઘા જમીનમાં ભણાવી ગણાવીને મોટા કર્યા આજે કરોડો રૂપિયાનાં બંગલામાં ચાર લોકો નથી સચવાતા ત્યારે ભૂતકાળમાં ટાંચા સાધનો, દેશી નળીયાવાળા મકાનો છતાં પણ આખો પરિવાર એક છત નીચે રહી શકે તોય દિલની વિશાળતા અને પરિવાર ભાવના હતી આજે આધુનિક યુગમાં એ મૃતપ્રાયઃ બની છે. રવજીભાઈ શિરવી મહેનતકશ ખેડૂત છે. આજે તેની પાસે રપ એકર જમીનમાંથી ૧૦ એકર જમીનમાં દાડમનું વાવેતર છે. ૩૦૦ જેટલા આંબાના ઝાડ છે. અઢી એકરમાં પપૈયાનું વાવેતર કરેલ છે. રવજીભાઈ વાત કરતા કહે છે, “અમારા ગામના ખેડૂતો પાસે જમીન ખરી પણ પાણીના તળ ખૂબ ઉંડા, ઉનાળે પાણીની તંગી ઉભી થાય ઉપરાંત હાઈ ટી.ડી.એસ. વાળુ પાણી એટલે પીવામાં તો તકલીફ પણ ખેતીમાંય તકલીફ.”
ધંધા વ્યવસાય અર્થે ગામના લોકો સુરત, અમદાવાદ, મુંબઈ ગયા અને મહેનત અને ઈમાનદારી સાથે પરિશ્રમ કરીને સફળ થયા છે. સફળ થયેલા લોકો પોતાના વતનને ભૂલ્યા નથી. જન્મભૂમિનું ઋણ અદા કરવા માટે તેઓ સતત તત્પર રહે છે. આથી ગામના પાટીદાર સમાજના લોકોએ પાણીની સમસ્યા નિવારવા માટે ગામ અને ગામની સીમમાંથી પસાર થતી નદી અને મોટા વોકળા ઉપર સંપૂર્ણપણે પોતાના ખર્ચે ૧૦ જેટલા ચેકડેમો બનાવ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી અલગ-અલગ જગ્યાએ ચેકડેમો બનાવવામાં આવ્યાં છે. ગુણવત્તાયુકત અને સારા કામોની ઝાંખી જાવા જેવી છે. ચાલુ વર્ષ લગભગ પપ ઈંચ જેટલો વરસાદ વરસી જવા છતાં પણ એકપણ ચેકડેમને નુકસાન થયું નથી અને છલોછલ ભરાયેલા છે. સાથે-સાથે ગામના પડતર અને બંધ બોરને પણ રીચાર્જ કરવામાં આવી રહ્યા છે જેના પરિણામે ગામના પાણીના તળ ૧૦૦ ફૂટ જેવા ઉંચા આવ્યા છે. આજે બોરમાં ૪૦૦ ફૂટ આજુબાજુ મોટરો ચાલે છે અને ખેતીવાડીમાં પાણીની તકલીફ પડતી નથી. સરકારની એકપણ રૂપિયાની મદદ વિના સંપ અને દાનવીરોનાં સહકારથી આ કામ શકય બન્યું છે.
રવજીભાઈ કહે છે, દર વર્ષ જળસંચયની પ્રવૃત્તિ કરવામાં આવશે. બનેલા ચેકડેમોમાંથી માટી, કાંપ ઉપાડવો, નાનું મોટું રીપેરીંગ કરવું અને હજુપણ શકય એટલા વધુ નાના-મોટા ચેકડેમો બનાવીને ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં રોકવાના પ્રયત્ન કરીશું. પાણીની સમસ્યાને નિવારવાના પ્રયત્ન દાતાઓના હિસાબે સફળ રહ્યા. રવજીભાઈ શિરવીનો મો. ૯૯૭૯૩ ૪૯૩૩ર છે.
_:: તિખારો::_
સમય, વ્યકિત અને સંબધોને ખોઈ દીધા બાદ જ માણસ માત્ર અફસોસ કરે છે.