(એ.આર.એલ),નવીદિલ્હી,તા.૯
દેશની રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ દેવેન્દ્ર યાદવે ઈÂન્ડયા ટીવી સાથે વાત કરતા કહ્યું કે હવે ગઠબંધનનો કોઈ અવકાશ નથી. આમ આદમી પાર્ટી ૧૧ વર્ષથી દિલ્હી સાથે અન્યાય કરી રહી છે, જેમાં ભાજપ પણ સામેલ છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ દેવેન્દ્ર યાદવે કહ્યું હતું કે કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે, કારણ કે આપ સાથે તેનું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી માટે જ હતું. દિલ્હી કોંગ્રેસના વડાએ કહ્યું હતું કે લોકસભા ચૂંટણીના પરિણામોમાં વોટ ટકાવારીમાં નોંધપાત્ર વધારો થયા બાદ કાર્યકરો અને સામાન્ય લોકોમાં નવો ઉત્સાહ છે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સારો દેખાવ કરશે કારણ કે લોકો હવે પરિવર્તનની અપેક્ષા રાખી રહ્યા છે.પ્રીત વિહારમાં કૃષ્ણનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના અધિકારીઓની બેઠકને સંબોધતા યાદવે કહ્યું હતું કે બૂથ સ્તરે બ્લોક અને જિલ્લા કોંગ્રેસ સમિતિની બેઠકોએ પક્ષને મજબૂત કરવા માટે કાર્યકરોને સક્રિય અને તાજગીભર્યા બનાવ્યા છે. નિવેદનમાં તેમણે કહ્યું હતું કે, “આગામી ચૂંટણીમાં કોંગ્રેસ એકલા હાથે લડશે કારણ કે આપ સાથે ગઠબંધન માત્ર લોકસભાની ચૂંટણી માટે છે.”
આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું હતું. આમ આદમી પાર્ટીએ દિલ્હીની સાતમાંથી ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને કોંગ્રેસે ત્રણ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ ૨૦૧૯ની જેમ આ વખતે પણ ભાજપે તમામ સાત બેઠકો જીતી લીધી છે.