(૧) દિલ તૂટે તો કેટલો અવાજ આવે. ?
જીગર યાદવ (દાત્રાણા-પાટણ)
અમારે આ બાજુ કોઈ દિલ તૂટવા જ નથી દેતા. કોઈનું તુટુતુટુ થાય ત્યાં કોઈને કોઈ આવી ને સાંધી જાય!
(૨) સાહેબ ઉગતો અને આથમતો સૂર્ય લાલ કેમ દેખાય?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
મોડા ઉઠવાનું અને સૂર્ય આથમે એ પહેલાં સુવાનું શરુ કરી દો એટલે લાલ નહિ દેખાય.
(૩) બ્રાહ્મણોને લાડુ શા માટે અતિ પ્રિય હોય છે?
યોગેશભાઈ આર. જોશી (હાલોલઃજિ.પંચમહાલ)
સારા અને પૌષ્ટિક ખોરાકનો સમાજમાં વ્યાપ વધે એ માટે બ્રાહ્મણોએ આ પ્રયુક્તિ અજમાવી હોય એવું લાગે છે!
(૪) તમે ખરીદેલી સૌથી હાસ્યાસ્પદ વસ્તુ શું છે?
વર્ષાબેન પંપાણીયા (રાજુલા)
સાયકલનો પંપ ત્યારે મારી પાસે સાઇકલ નહોતી!
(૫) એવો ક્યો સજીવ છે જેનું શરીર એક મિનિટમાં હજારવાર ધબકે છે?
જયેશ રાઠોડ (બાબરા)
મને તો એવા સજીવની ખબર છે જે એક હજાર મિનિટમાં એકપણ વાર ધબકતું કે હલતું નથી!
(૬) પૃથ્વી કેમ ગોળ આકારની છે?
નિદા નસીમ (ઉના)
કોઈ દેશ ખૂણામાં પડ્યો ન રહે એ માટે.
(૭) પિત્ઝા જોઈને મોઢામાં પાણી આવી જાય છે, તો પાણી જોઈને મોઢામાં પિત્ઝા કેમ નથી આવતા?
એકતા અક્ષય મેરૂલિયા (ભાવનગર)
પાણી જોઈને પણ મોઢામાં પિત્ઝા આવી જાય પણ એ માટે પાણી મોઢામાં નહિ આંખમાં આવવું જોઈએ અને એ પાણી પતિ જુએ એમ આવવું જોઈએ!
(૮) પેરિસ ઓલિમ્પિક્સમાં બોક્સિંગની હરિફાઈમાં જેન્ડર ચેન્જ કરાવેલ અલ્જેરીયન (મહિલા) સ્પર્ધકે હરીફ ઇટાલિયન મહિલાને ફક્ત ૪૫ સેકન્ડમાં હરાવી દીધી. ભવિષ્યમાં આવી રીતે લોકો મહિલાઓના હક્ક છીનવવા લાગશે તો ? આના માટે શું કરવું જોઈએ ?
કનુભાઈ પરમાર (દામનગર)
વાહ, ક્રિકેટના જમાનામાં તમને (મહિલા)બોક્સિંગ જોવામાં રસ છે એ જાણીને આનંદ થયો.
(૯) જે સવાલ પૂછતા નથી તેઓને કેટલો સમય મૂર્ખા ગણી શકાય?
સરદારખાન મલેક (મહેસાણા)
તમે સવાલ પૂછી લીધો.. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી!
(૧૦) મ્જીદ્ગન્ હાલ તમારા માટે?
આસિફ કાદરી (રાજુલા)
હેલો.. હેલો થોડા કવરેજમાં આવોને!!
(૧૧) તમે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪ માં કેમ ભાગ લેવા ના ગયા?
રાજુ એન. જોષી (ધરાઈ-બાલમુકુંદ)
ઓલિમ્પિક સમિતિવાળાએ મને કીધું કે બીજાનો પણ વારો આવવા દો!
(૧૨) સૌથી વધારે ચા ગુજરાતમાં પીવાય છે તેનું કારણ શું ?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
દારૂબંધી અને ભાઈબંધી!
(૧૩) થિયેટરમાં ખુરશીની કઈ બાજુનો હાથો આપણો કહેવાય?
તારક વ્યાસ (સુરત)
તમારી સાથે થિયેટરમાં આવ્યું હોય એ જે બાજુ બેઠા હોય એ બાજુનો હાથો!
(૧૪) તમારા ધર્મપત્ની પોતાં કરતા હોય ત્યારે તમે ક્યાં બેસો?
વિપુલકુમાર મહેતા (રાજકોટ)
બેસું નહિ, ખડેપગે ઊભો રહું!
(૧૫) વિશ્વમાં સૌપ્રથમ શિક્ષક ક્યાં ભણ્યા હશે?
દક્ષા નકુમ (રાજકોટ)
શિક્ષકને ભણવાનું ન હોય! અને તમે એવું પૂછતા હો કે સૌ પ્રથમ વિદ્યાર્થી ક્યાં ભણ્યો હશે તો એનો જવાબ છે શિક્ષક પાસે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..