બાબરા તાલુકાના ખાનપર ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળા માટે અંદાજે રૂ. ૪૦ લાખના ખર્ચે નવું સુવિધાસભર બિલ્ડિંગ બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત રૂ. ૨.૭૫ લાખના ખર્ચે ૧૧ કોમ્પ્યુટર સેટ સાથેની લેબ તથા ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે. આ સુવિધાનું લોકાર્પણ સોમવારે લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે કરવામાં આવેલ હતું. આ નિમિત્તે ધારાસભ્ય જનકભાઈ તળાવીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ પાયો છે, જેમ કોઈ ઈમારતને ઊભી કરવા માટે પાયો મજબૂત જોઈએ તેમ બાળકને ઘડવા માટે શિક્ષણ આપવું એ બાળકના ઘડતરનો પાયો છે. બાળકને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકાર પ્રયાસ કરે છે. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય નિતીનભાઇ રાઠોડ, પ્રભાતભાઇ કોઠીવાળ, તાલુકા પંચાયતના સદસ્ય લાલભાઇ, શિક્ષક સંઘના દિપકભાઇ કોઠીવાળ, મહેશભાઇ ભાયાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારી સોનીયાબેન કોટડીયા, કેળવણી નિરીક્ષક દોમડીયા, સર્વ શિક્ષા અભિયાનના એન્જીનીયર મહીડા, સરપંચ રતનબેન, તલાટી-મંત્રી, પંચાયતના તમામ સભ્યો, તાલુકા શિક્ષણ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, પ્રાથમિક શાળાના આચાર્ય-કર્મચારીઓ, ગામના આગેવાનો, મહાનુભાવો, શાળાના બાળકો સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.