ભાજપ લઘુમતી મોરચાએ, ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડમાંથી ‘બોર્ડ’ શબ્દ હટાવવાની માંગ કરી છે. આ માટે તેણે ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડના અધ્યક્ષ ખાલિદ રહેમાનીને પત્ર લખ્યો છે. ભાજપ લઘુમત્તી મોરચાના પ્રમુખ જમાલ સિદ્દીકીએ, ખાલિદ રહેમાનીને લખેલા પત્રમાં કહ્યું છે કે, તમારા સંગઠનનુ નામ જાઈને એવું લાગે છે કે તે સમગ્ર ભારતના મુસ્લીમ સમુદાયનુ પ્રતિનિધિત્વ કરતુ સંગઠન છે જ્યારે તમારા સંગઠનમાં પસમંદા સમુદાયનું પ્રતિનિધિત્વ સાવ જ નહિવત છે.
સિદ્દીકીએ એમ પણ કહ્યું છે કે ‘બોર્ડ’ શબ્દ પરથી એવું લાગે છે કે તે એક સરકારી સંસ્થા છે. જ્યારે ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ બિન-સરકારી સંસ્થા છે. તેથી, તેના નામમાંથી ‘બોર્ડ’ શબ્દ દૂર કરવો જાઈએ. સિદ્દીકીએ ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ બોર્ડ દ્વારા મળેલા નાણાકીય વ્યવહારો અને દાનને સાર્વજનિક ના કરવા ઉપર પણ સવાલો ઉઠાવ્યા હતા અને માંગણી કરી હતી કે આ સંસ્થામાંથી ‘બોર્ડ’ શબ્દ દૂર કરવામાં આવે, જેથી દેશના મુસ્લીમો ગુમરાહ ના થાય.
ભાજપ લઘુમતી મોરચાએ પત્રમાં વધુમાં કહ્યું કે તમે ભારતભરના મુસ્લીમોના પ્રતિનિધિ હોવાનો દાવો કરો છો પરંતુ એવું નથી. તમે પસમાંદા સમુદાયને નજીવો હિસ્સો આપ્યો છે અને ના તો તમે ક્યારેય તેના માટે તમે અવાજ ઉઠાવ્યો છે, જ્યારે દેશના ૮૦ ટકા મુસ્લીમો પસમંદા સમુદાયમાંથી આવે છે. ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડ એક બિન-સરકારી સંસ્થા છે. તેથી, તેના નામમાંથી ‘બોર્ડ’ શબ્દ દૂર કરવો જાઈએ.
ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડની સ્થાપના ૭ એપ્રિલ ૧૯૭૨ના રોજ કરવામાં આવી હતી. આ એક બિનરાજકીય સંસ્થા છે. ભારતમાં મુસ્લીમ પર્સનલ લોના ઉપયોગને સુરક્ષિત કરવા અને પ્રોત્સાહન આપવા માટે. આ સંસ્થા મુસ્લીમ કાયદાઓનું રક્ષણ કરવા, ભારત સરકાર સાથે સંપર્ક સાધવા અને મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સામાન્ય લોકોને માર્ગદર્શન આપવાનું કામ કરે છે.
ઓલ ઈન્ડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડમાં મોટાભાગના મુસ્લીમ સંપ્રદાયોનું પ્રતિનિધિત્વ કરવામાં આવે છે. બોર્ડ પાસે ૫૧ ઉલેમાઓની કાર્યકારી સમિતિ છે, જે વિવિધ મુદ્દાઓ પર સરકારને પોતાનો અભિપ્રાય રજૂ કરે છે. જેમાં ઉલેમાના ૨૦૧ વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જેમાં લગભગ ૨૫ મહિલાઓ તેમજ સામાન્ય માણસનો પણ સમાવેશ થાય છે.