રવિનાનાં ધબકારા વધી ગયા. એભલ છેક અહીંયા સુધી પહોંચી ગયો ? તેણે કપાળ ઉપરનો પરસેવો લૂછયો. ભય અને ડરથી તેનો ચહેરો રૂની પૂણી જેવો થઇ ગયો. એ ‘ધડ’ કરતો દરવાજા વાળીને અંદર આવી પહોંચી. સારૂં થયું કે ઘરમાં કોઇ નહોતું નહીંતર તો ખરેખરી થઇ જાત ! એણે ઘટક ઘટક પાણી પીધું દરવાજા અંદરથી બરાબર બંધ કર્યો છે કે નહીં તે જાવા તે ફરી પાછી હડી કાઢીને દરવાજે આવી. તો અંદરથી સાંકળ, સ્ટોપર અને આગળિયો મારીને દરવાજા ડરમાં ને ડરમાં તેણે બંધ કરી દીધો હતો. પણ એભલ આ વંડી ઠેકીને આવશે તો ? એમ વિચારતી અંદર જતી રહી. ગભરાટ હજી એવો ને એવો જ હતો. તેણે પેલી ચિઠ્ઠી ખોલી. અંદર લખ્યું હતું :
“ તારો જીવ હવે જોખમમાં છે. દગડુના ઘરે પોલીસ પહોંચી ગઇ છે. ટકલુ બોસને પણ ખબર પડી ગઇ છે કે હવે પોલીસે આખી હીસ્ટ્રી જાણી લીધી છે. એટલે તને છોડાવવા માટે મને કહ્યું છે. પણ મને બીક છે કે દગડુ અને ટકલુ બોસ તારી સાથે સારો વર્તાવ નહીં કરે, આ તો તું મારી પ્રેમિકા છો એટલે તને ચેતવવા આવ્યો છું અને હું તને નસાડીને મારા મામાના ઘરે મોકલી દઇશ. જા ટકલુ બોસ કે દગડુના હાથમાં આવી ગઇ તો તારા શા હાલ-હવાલ થશે એ તને પણ ખબર નહી પડે. એટલે તારૂં સારૂં ઇચ્છતી હોય તો સાંજે છ વાગે કાળિયા ડુંગર તરફ જતા રસ્તે આવેલા “કેસરીયા હનુમાનજી” ની દેરી પાસે પહોંચી જજે હું ત્યાં મોટર સાયકલ લઇને ઊભો હોઇશ. આપણે જંગલમાં ઓગળી જઇશું…”
ચિઠ્ઠી વાંચીને રવિના ફફડી ઉઠી. હવે શું કરવું ? તેની આંખમાં આંસુ ધસી આવ્યા. એણે ચિઠ્ઠી ફાડીને કાગળના ચૂરેચૂરા કરી નાખ્યા. પેલો લીફાફો હજી પલંગ ઉપર જ પડયો હતો જે કુરિયાર વાળો બનીને એભલ લાવ્યો હતો. ગંભરાઇને તેણે એ પરબિડીયું સૂર્ય પ્રકાશમાં જાયું. તો અંદર કશું જ ન હોય એમ લાગ્યું: ખાસ પરબિડીયું ?! ના, એક કાગળનો ટુકડો હતો: તેણે પરબિડીયું ખોલી નાખ્યું. તો અંદરથી એક પાતળી ચબરખી નીકળી. અંદર લખ્યું હતું. તીસરા હપ્તા બાકી હૈ તીસરા હપ્તા ! તેને થયું: તીસરા હપ્તા ? આ ચિઠ્ઠી શું કહેવા માગે છે. તેણે મગજને કસ્યું પણ આ ચાર અક્ષરનો તાગ આવ્યો નહીં. તેણે પરબિડીયાના અને પેલી ચિઠ્ઠીના પણ ચૂરેચૂરા કરી નાખ્યા. હવે શું કરવુ ? એ ડસ્ટબીનમાં તાકી રહી પછી ચિઠ્ઠીના ટુકડા જાઇને ગભરાટ વછૂટ્યો. એણે ઝીણા ઝીણા ટુકડા લઇને ગેસ સ્ટવ ઉપર મૂકયા અને ગેસ ચાલુ કરી દીધો. બધા ટુકડા બળીને રાખ થઇ ગયા. એ કૃષ્ણ ભગવાનની તસવીર સામે ઊભી રહી. બે હાથ જોડીને અને જાણે કૃષ્ણ ભગવાનને પૂછતી હોય એમ પૂછવા લાગી: ‘કહોને ભગવાન ? હું શું કરૂં હવે ? મેં એક ભોળા માણસને છેતર્યો છે. મને ખબર નહોતી કે મારૂં મન તેની સાથે લાગી જશે… ભવની ભવાટવિમાં હું ભૂલી પડી ગઇ છું ભગવાન ! હવે તમે જ કહો… મને રસ્તો ચીંધાડો ભગવાન. હું થાકી ગઇ છું, હિંમત હારી ગઇ છું. હું શું કરૂ ? છ વાગ્યે તેની સાથે જાઉ કે પછી અર્જુનને બધું જ કહી દઉ ?…
તેને થયું એભલની વાત સાચી છે હવે દગડુ કે ટકલુ બોસ મને મુકશે નહીં. કદાચ એભલે પણ એવું જ ધારી રાખ્યું હશે તો ? અર્જુન સાથે મારા સંબંધની તેને ખબર પડી ગઇ હશે ? હાં, આ તો બધા શિકારી કૂતરા જેવા છે. ગમે ત્યાંથી ગંધ આવી જ ગઇ હશે તેમને….
તો પછી આ ત્રીજા હપ્તો ? કોની પાસે લેવાનો છે ? એના મનમાં ગડમથલ ચાલતી હતી. શરીર બે હાથ જાડીને ભગવાનની છબી સામે હતું પણ મન ભટકતું હતું. ના હવે આ ઘર છોડીને જવું નથી. આ ઘર છોડીને જાઉ તો મારા અર્જુનની સલામતી રહે નહીં.
—-
બરાબર એ જ વખતે પોલીસ સ્ટેશનની અંદર જીમી કાર્ડ લઇને અંદર પ્રવેશ્યો. ઇ. અજયે કહ્યું: “ આપણાં નક્કી કરેલા પ્લાન મુજબ જ….” જવાબમાં જીમ્મીએ થમ્બ બતાવ્યો. મોબાઇલના ઇન્સ્ટ્રુમેન્ટમાં કાર્ડ નાખીને ચેક કર્યું. છેલ્લે કયારે ફોન થયો હતો ? “ડી” ફોર દગડુ – જીમ્મીએ ઇન્સ્પેકટરને કહ્યું. ઇ. અજયે પ્લાન મુજબ નંબર ડાયલ કરવાનું કહ્યું. સ્પીકર ઓન રાખ્યું. જેવો ફોન લાગ્યો કે, પહેલા તો સામેથી બે ત્રણ ગાળ જ સાંભળવા મળી. રેકોર્ડીસ્ટે ફોન ટેપ થઇ રહ્યો છે તેનો થમ્બથી ઇશારો કર્યો. લેડીઝ અવાજ માટે નકલ કરવાની કળા દાખવતી એક મીમીક્રી આ‹ટસ્ટ મધુને હાજર રાખવામાં આવી હતી પણ તેની જરૂર જ ન પડી. સામેથી દગડુએ ધાણીફુટ અવાજમાં ચાલુ કરી દીધું: સાલ્લી (…) બે ત્રણ ગાળ ચોપડયા પછી એ બોલવા માંડયો:પોલીસ સાથે તું ભળી ગઇ છે ને ? મને ખબર પડી ગઇ છે. અને હા, પેલો લેબોરેટરીવાળો… સાલ્લો ગાયબ છે. સાલ્લી કમજાત (ગાળ…) અહીં પોલીસ છેક મારા ઘર સુધી પહોંચી ગઇ છે. એભલને મેં મોકલી દીધો છે. હવે તારા અર્જુન યાર પાસે રોકાવાનું નથી. તું તો કાયદેસર તેની વાઇફ બની ગઇ. સાલ્લી વીડિયો મે જાયા. (ગાળ) આજે સાંજે એભલની સાથે તારે ભાગી છુટવાનું છે. ટકલુ બોસનો આદેશ છે.. હું તને ફર્સ્ટ એન્ડ લાસ્ટ વો‹નગ આપુ છું સમજી ?….”
પણ અહીંથી સામેથી કોઇપણ પ્રકારનો પ્રતિભાવ ન મળતા પેલો ચોંકયો. ચાર પાંચ સેકન્ડ તે બોલતો બોલતો થંભી ગયો પછી કહે: “પણ તું બોલતી કેમ નથી ? આટલા દિવસથી તારો ફોન કેમ સ્વિચ્ડ ઓફ આવતો હતો સાલ્લી… કમજાત તું બોલ…”
જવાબમાં પેલી મધુએ ખાલી “હમ્મ…” એટલું કહ્યુ ત્યાં પેલો કહે ઃ “ સરખુ તો મોઢામાંથી ફાટ. જાર આવે છે ?” જવાબમાં ઇ. અજયે ફોન કટ કરી નાખ્યો ફોનનું લોકેશન તેના મૂળ ગામમાં જ આવતું હતું.
“મતલબ કે એ પાછો એના ઘરે પહોંચી ગયો છે. “ઇ. અજયે કહ્યું: “એને દબોચવો પડશે. પણ એ પહેલા ?” “આ એક બીજા નંબર છે. જે વારંવાર થયો છે. ” જીમ્મીએ ઇ. અજયને એક નંબર બતાવ્યો તેની ઉપર ‘મામા’ એવું લખેલું છે.”
“ત્યાં લગાડ એ કદાચ નકલી મામો હોય શકે. બાકી એ નંબર જ એભલનો હશે.”
મોબાઇલનું સીમકાર્ડ ખોવાઇ ગયું છે તેની રવિનાએ એભલને જાણ કરી નહોતી એટલે એભલને ખબર નહોતી પણ અહીં આ નંબરમાંથી જેવો ફોન લગાડયો કે એભલનો ખડખડાટ હસવાનો અવાજ આવ્યો: ઓ મારી વ્હાલી, મારી જાનુ… આખરે તારો ફોન આવ્યો પણ આ નંબર ઉપરથી કેમ કર્યો ? આ તો સિક્રેટ નંબર છે. તારે આપણા રેગ્યુલર નંબર ઉપરથી જ ફોન કરવાનો હતો નહીંતર બધાને ખબર પડી જશે અને હા, આ કાર્ડ કદાચ પોલીસ ના હાથમાં આવી ગયું તો ?
…. અને હા, સાંભળ, આ લોકો તને હવે શાંતિથી જીવવા દેશે નહી. તું પોલીસ સાથે ખરેખર ભળી ગઇ છો અલી ? કૈંક તો બોલ. જવાબ તો આપ. આ તો તારી સાથે મને પ્રેમ છે એટલે…”
તે અટકયો અને બોલ્યો: “ સાંભળ, મેં તને હમણાં ચિઠ્ઠી પહોંચાડી એ તે વાંચી લીધી હશે. તો સાંભળ આજે સાંજે ૬ વાગે કાળિયા ડુંગરના રસ્તે કેસરીયા હનુમાનજી પાસે હું ઊભો હોઇશ. જા આજની ઘડી ચૂકી ગઇ તો જિંદગી જ ચૂકી ગઇ સમજ. પછી હું તારી આડે નહીં આવું. સમજી ? હલ્લો… હલ્લો. તું કૈક બોલ તો ખરી…” ઇ. અજયે ફોન કાપી નાખ્યો અને ઉભો થઇ ગયો: “રવિનાને અત્યારેને અત્યારે અરેસ્ટ કરો.”
—–
એરેસ્ટ કરાયેલી રવિના ભીની આંખે ઇ. અજય સામે બેઠી હતી. આ તરફ અર્જુન બેઠો હતો. પોલીસની સાવ હળવી થર્ડ ડિગ્રી પછી રવિના ભાંગી પડી હતી. કહેતી હતી: “હું તો એક પ્યાદુ છું, આ ગિરોહમાં મુખિયા કોણ છે તેની મને ખરેખર જાણ નથી. મારે અર્જુનસરને ફસાવવાના હતા પણ સાચું કહું તો હું જ તેમના પ્રેમમાં ફસાઇ ગઇ છું. મને પારાવાર પસ્તાવો થાય છે.” રવિનાએ આંસુ લૂછતા કહ્યું. જવાબમાં અર્જુને તપી ગયો: “સાલ્લી કમજાત… જુઠ્ઠી મક્કાર નીચ… હું તને જીવતી નહીં છુંડું…” કરતો રવિના સામે ધસી ગયો કે ઇ. અજયે તેને શાંત પાડયો: “પ્લીઝ, અર્જુન કાયદો કાનૂન હાથમાં ન લે. બધુ જ આપોઆપ બહાર આવશે.” છ વાગ્યે ઇ. અજયની સૂચના અનુસાર કોઇને પણ વહેમ ન જાય તે રીતે કેસરીયા હનુમાન પાસે રવિના આવીને ઊભી રહી. ઇ. અજયે કહ્યું હતું કે જા તું અમને સાથ સહકાર આપીશ તો તને હું છોડાવી શકીશ.” એ શરતે એ તૈયાર થઇ હતી. વેળા ઘણી વીતી ગઇ તે ડરી રહી હતી. ત્યાં જ એક મોટર સાયકલ બમબમાટી મારતું આવી પહોંચ્યું. (ક્રમશઃ)