રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આગામી ઉનાળામાં પાણીની તંગી ન સર્જાય તે માટે નગરપાલિકા અને પાણી પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી અને આગોતરું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, જીગ્નેશભાઈ પટેલ અને રવુભાઈ ખુમાણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને રાજુલા શહેરને ડેમ અને મહી પરીએજ યોજનાનું પાણી મળે છે. તેથી આયોજનના અભાવે પાણીની તંગી ન સર્જાવી જોઈએ. તેમણે મહી પરીએજ યોજનાનું પાણી પૂરતા ફોર્સથી છોડવા માટે અધિકારીઓને સૂચના આપી હતી અને જણાવ્યું હતું કે, તેઓ પોતે પાણી વિતરણ સમયે હાજર રહેશે. બેઠકમાં નગરપાલિકાના પદાધિકારીઓએ અધિકારીઓને સફાઈ અને પાણીના પ્રશ્નો પર ગંભીરતા દાખવી કામગીરી કરવા સૂચના આપી હતી.