અમેરિકાના રાષ્ટ્રપતિ મહેલ વ્હાઇટ હાઉસમાં દિવાળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૬૦૦ થી વધુ પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકન નાગરિકોએ ભાગ લીધો હતો. આ દરમિયાન રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં અત્યાર સુધીનું સૌથી મોટું દિવાળી રિસેપ્શન યોજવાનું સન્માન મળ્યું છે. બિડેને કહ્યું કે તે મારા માટે ઘણું અર્થપૂર્ણ છે કે સેનેટર, વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટ તરીકે સેવા આપતી વખતે, મારા સ્ટાફના મુખ્ય સભ્યો દક્ષિણ એશિયન અમેરિકનો રહ્યા છે.
જા બિડેને કહ્યું, ‘કમલા હેરિસથી લઈને ડો. વિવેક મૂર્તિ અને અહીં હાજર ઘણા લોકો, મને ગર્વ છે કે મેં અમેરિકા જેવું દેખાતું વહીવટ બનાવવાની મારી પ્રતિબદ્ધતા પૂરી કરી.’ બિડેનના સંબોધન પહેલા ભારતીય અમેરિકન યુવા સામાજિક કાર્યકર્તા શ્રુતિ અમુલા અને અમેરિકન સર્જન જનરલ ડો. વિવેક મૂર્તિ, સુનીતા વિલિયમ્સે સંબોધન કર્યું હતું. સુનિતા વિલિયમ્સ હાલમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશમાં છે, તેથી તેણે વીડિયો રેકોર્ડેડ મેસેજ મોકલ્યો હતો. વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ફર્સ્ટ લેડી ડા. જીલ બિડેન આ દિવાળીના કાર્યક્રમમાં હાજરી આપી ન હતી, બંને હાલમાં પ્રચારમાં વ્યસ્ત છે.
૨૦૧૬માં વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રથમ દિવાળીની ઉજવણીને યાદ કરતાં બિડેને કહ્યું હતું કે ‘દક્ષિણ એશિયન અમેરિકનો સહિત ઇમિગ્રન્ટ્‌સ પ્રત્યે તિરસ્કાર અને દુશ્મનાવટના ઘેરા વાદળ’ ૨૦૨૪માં ફરી એકવાર દેખાય છે. અમેરિકા આપણને આપણી શક્તિની યાદ અપાવે છે અને આપણે બધા પ્રકાશ હોવા જાઈએ. કાર્યક્રમ દરમિયાન જા બિડેને વ્હાઇટ હાઉસના બ્લુ રૂમમાં ઔપચારિક દીવો પ્રગટાવ્યો હતો. આ પ્રસંગે તેમણે અમેરિકન લોકશાહીમાં યોગદાન આપવા બદલ દક્ષિણ એશિયાઈ અમેરિકન સમુદાયનો આભાર માન્યો હતો.