ભાવનગરઃ વિક્રમ સંવત ૨૦૮૧ના નવા વર્ષમાં દેવદિવાળી બાદ લગ્ન ગાળાનો પ્રારંભ થાય છે, ત્યારે વર્ષ ૨૦૨૪ના અંત અને ૨૦૨૫માં કુલ કેટલા લગ્નના મુહૂર્તો છે અને કઈ કઈ તારીખોમાં લગ્ન સંભવ છે. વિક્રમ સંવત ૨૦૮૧માં લગ્ન માટેના મુહૂર્તોનો પ્રારંભ થવાનો છે, ત્યારે લગ્ન ગાળાના મુહૂર્ત કયા છે. તેને લઈને જ્યોતિષોનું કહેવું છે કે વિક્રમ સંવત ૨૦૮૧ માં ૧૨ નવેમ્બરના રોજ દેવદિવાળી બાદ લગ્ન ગાળો શરૂ થશે, જે જૂન ૨૦૨૫ સુધીના મુહૂર્તો મળી રહ્યા છે. વિક્રમ સવંત ૨૦૮૧ માં કુલ ૭૦ લગ્નના મુહૂર્ત છે. જેમાં સૌથી વધારે ડિસેમ્બર, ફેબ્રુઆરી અને મે મહિનામાં મુહૂર્ત છે.
જ્યોતિષના જણાવ્યા અનુસાર પહેલું મુહૂર્ત ૧૬ મી નવેમ્બરથી છે, જેથી લગ્નગાળાની સિઝનની શરૂઆત થશે. ત્યારબાદ નવેમ્બરમાં ૧૬ થી ૨૨ નવેમ્બર અને ૨૩ થી ૨૭ નવેમ્બર સુધીના મુહૂર્ત છે, તે પછી ડિસેમ્બર મહિનામાં તારીખ ૨ થી ૭ અને ૧૧ અને ૧૨ તારીખના મુહૂર્ત છે. જો કે ૧૫ ડિસેમ્બરથી ૧૪ જાન્યુઆરી સુધી કમુહૂર્તાઓનો પ્રારંભ થશે. જે ગાળામાં કોઈ લગ્ન મુહૂર્ત નથી.
જ્યોતિષોએ જણાવ્યું હતું કે, ૧૪ જાન્યુઆરી બાદ ફરી લગ્ન ગાળાનો પ્રારંભ થશે. જેમાં જાન્યુઆરી માસમાં ૨૫, ૨૬ અને ૩૦ એમ ૩ દિવસના મુહૂર્ત છે, જ્યારે ફેબ્રુઆરી માસમાં સૌથી વધારે મુહૂર્ત છે. જેમાં જોઈએ તો ૩,૪,૬,૭ અને ૧૨ થી ૧૭ અને ૨૦ થી ૨૩ અને ૨૫ ફેબ્રુઆરી સુધીના મુહૂર્ત છે જ્યારે માર્ચ મહિનામાં માત્ર ૨ જ ૧ થી ૩ માર્ચ સુધીનાં મુહૂર્ત છે.જયારે ૧૪ માર્ચ ૨૦૨૫ થી ૧૪ એપ્રિલ ૨૦૨૫ સુધી મીનારક હોવાથી કોઈ મુહૂર્ત નથી. ત્યારબાદ એપ્રિલ માસમાં ૧૬, ૧૮, ૧૯, ૨૦, ૨૧, ૨૨, ૨૫, ૨૯ અને ૩૦ તારીખના રોજ મુહૂર્ત છે, જ્યારે મે મહિનામાં ૧, ૫, ૬, ૮, ૯, ૧૦, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૨૦, ૨૩ અને ૨૪ એમ સૌથી વધારે મે મહિનામાં મુહૂર્ત છે. જ્યારે જૂન મહિનામાં ૧, ૨, ૫ અને ૬ તારીખના મુહૂર્ત છે.
શહેરમાં આ વર્ષે મહત્તમ ૧૦૦૦ થી ૧૫૦૦ જેટલા લગ્ન નક્કી થઈ ગયા છે. જો કે ૧૨ મી જૂનથી ૭ જુલાઈ સુધી ગુરુ અસ્ત હોવાથી મુહૂર્ત મળતું નથી. ગુરુ અને શુક્ર અસ્ત હોય ત્યારે લગ્નના મુહૂર્ત મળતા નથી. જો કે, ત્યારબાદ ૬ જુલાઈથી દેવઉઠી એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ થવાથી મુહૂર્ત મળશે નહીં. આમ ૭૦ જેટલા મુહૂર્ત આ વર્ષે લગ્નના મળી રહ્યા છે.
લગ્ન ગાળાની સિઝનમાં વસંત પંચમીના લગ્નને શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ વર્ષ ૨૦૨૫ માં વસંત પંચમીએ લગ્ન શક્ય નથી. ૨૦૨૫માં વસંત પંચમી ૨ ફેબ્રુઆરીના રોજ છે. જો કે તે સમયે તિથિનો ક્ષય હોવાથી લગ્નનું મુહૂર્ત મળતું નથી, કારણ કે, શાસ્ત્રના નિયમ પ્રમાણે ક્ષય વાળી તિથિમાં લગ્નના મુહૂર્તને સારૂ ગણવામાં આવતું નથી. આથી વસંત પંચમી કોઈ લગ્નનું મુહૂર્ત નથી.