કેટલાક એમ. ડી. તરીકે પ્રેકટિસ કરીને લોકોના જીવ જોખમમાં મુકે છે, આઇએમએની ચેતવણી.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન-અમરેલીના પ્રમુખ ડો. જી. જે. ગજેરા અને મંત્રી ડો. નિલેશ પી. જાનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, વિદેશમાં ડોકટરની ડિગ્રી મેળવનારને ભારતમાં માત્ર એમબીબીએસ કક્ષાની ડિગ્રી મળી શકે છે. તેઓ એમ. ડી. તરીકે પ્રેકટિસ કરી શકતા નથી. વિદેશમાં મેડિકલની ડિગ્રી મેળવનાર ભારતમાં એમબીબીએસની પરીક્ષા પાસ કરે તો જ તે પ્રેકટિસ કરી શકે છે. વિદેશમાં મેડિકલનો અભ્યાસ કરનાર કેટલાક લોકો એમ. ડી. તરીકે પ્રેકટિસ કરીને લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે. આથી લોકોને જણાવવામાં આવે છે
કે, આવી પ્રેક્ટિસ કરનાર ડોકટર ધ્યાનમાં આવે તો જિલ્લા આરોગ્ય અધિકારી અથવા ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ-મંત્રીને જાણ કરવી. બીજા રાજ્યમાંથી મેડિકલની ડિગ્રી મેળવી હોય અને તેમને ગુજરાતમાં પ્રેકટિસ કરવી હોય તો ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે. તેઓ એમબીબીએસ, પીજી કે સુપરસ્પેશિયાલિસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યા સિવાય ગુજરાતમાં પ્રેકટિસ કરે તો તેમનું લાયસન્સ રદ થઇ શકે છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી
થઇ શકે છે.