ડો. અબ્દુલ કલામના શબ્દોમાં કહીએ તો આ દુનિયામાં બે વ્યક્તિઓ મહત્વની છે. એક શિક્ષક અને એક મા… આ બંને વિશ્વમાં સન્માનિત છે.ચાણક્યના શબ્દોમાં કહીએ તો; શિક્ષક કભી સાધારણ નહી હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં હૈ; શિક્ષક સમાજનું ગૌરવ છે. સમાજના નવસર્જનમાં તેનું અનન્ય પ્રદાન છે. સમાજમાં શિક્ષકનું મહત્વ અને મૂલ્ય જાળવવું હોય તો તેવા સંનિષ્ઠ કાર્યો કરવા પડે તો જ તમારું સમાજમાં અને જે તે ગામમાં ગૌરવ ટકી શકશે. ગમે તેટલી લાયકાત હોય પરંતુ આપણું શિક્ષકત્વ શ્રેષ્ઠ હોવું જોઈએ. શિક્ષક ધારે તે કરી શકે. શિક્ષક અજ્ઞાનથી જ્ઞાન તરફ અને સરળતાથી વ્યાપકતા તરફ લઈ જાય તે શિક્ષક. શિક્ષકનું વિશાળ વાંચન અને ચિંતન હોવું અનિવાર્ય છે. અભણ અને આંધળા બરાબર એમ કહેવાયું છે. શિક્ષકે જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવીને લોકોને શિક્ષણના માર્ગે જ્યોત પ્રગટાવવા રચનાત્મક કેળવણીનું કાર્ય શિક્ષકે કરવું રહ્યું. શિક્ષક હંમેશાં જ્ઞાનરૂપી પ્રકાશ પાથરી અજ્ઞાનના અંધારાને હટાવવાનું કામ કરે છે. આજનો સમાજ શિક્ષકો પાસે અનેક ગણી અપેક્ષા રાખે છે. તેથી જ શિક્ષક એકસાથે અનેક ભૂમિકા હાલના સમયમાં ભજવી રહ્યો છે. શિક્ષક એટલે હંમેશા શીખતો રહી બીજાને શીખવાડતો રહે તે જરૂરી છે. એટલે જ કહેવાયું છે કે શિક્ષક આજીવન વિદ્યાર્થી છે. જે શીખે છે તે જ શીખવી શકે છે. હાલના સમયમાં મૂલ્યલક્ષી શિક્ષણની જરૂરિયાત સેવાઈ રહી છે. તેથી શિક્ષક પોતે અનેક આદર્શોની મૂર્તિ બને તો તેના અનુકરણથી બાળકોમાં મૂલ્યશિક્ષણ કેળવાય. બાળક માટે શિક્ષક એક દર્પણ છે. શિક્ષક બાળકના જીવનમાં અવનવા રંગો ભરી જીવનને રંગીન બનાવે છે. સ્નેહના સંસ્કારનું સિંચન કરી વિશાળ વટવૃક્ષ બનાવે છે. શિક્ષક વિદ્યાર્થીઓનું જીવન ઘડતર કરે ત્યારે જ આ સમાજની નવી મજબૂત ઈમારત ચણાય. શિક્ષક દ્વારા સમાજનું નવનિર્માણ થતું હોય છે. શિક્ષકો આચાર, વિચાર અને આચરણ વાળા હોવા જોઈએ. શિક્ષકે બાળકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓને કેળવવાનું કાર્ય કરવાનું હોય છે. સ્વ. નાનાભાઈ ભટ્ટના શબ્દોમાં કહીએ તો કેળવણીનું મુખ્ય કાર્ય વિદ્યાર્થીઓને જાતે કાર્ય કરતા શીખવવાનું છે. શિક્ષણની ભૂખ જગાડી બાળકોને ભણાવે છે. બાળક મા – બાપ કરતા વધુ સમય શિક્ષક સાથે પસાર કરે છે તેથી તે શિક્ષકનું અનુકરણ કરે છે. બાળકોને પ્રેમથી ભણાવનાર શિક્ષક વાત્સલ્યમૂર્તિ સમાન છે. બાળકોને ધ્યાનમાં લઇ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરી રસપૂર્વક ભણતા કરે એ જ સાચો શિક્ષક. હું શિક્ષિક છું. જેનો મને ગર્વ છે. દુનિયામાં એક જ એવું વ્યક્તિત્વ છે જેને સાહેબ કહેવામાં આવે છે. રસ્તામાં તમે ચાલતા હોવ ત્યારે તમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ શિક્ષકને જોઈને કહે કે સાહેબ જાય છે. કલેકટર જતા હોય તો કહે કે કલેક્ટર જાય છે. મામલતદાર જતો હોય તો કહે કે મામલતદાર જાય છે પરંતુ જ્યારે શિક્ષક નીકળે ત્યારે લોકો કહે છે કે સાહેબ જાય છે. નાના અને મોટા બાળકોમાં માનવતા નિર્માણ કરવાનું કાર્ય શિક્ષક કરે છે. શિક્ષક પોતાના આગવા વ્યક્તિત્વને છતું કરી સદૈવ જ્ઞાન આપવા તૈયાર રહે છે. જ્ઞાનનો અખૂટ ભંડાર એટલે શિક્ષક. શિક્ષક માર્ગદર્શક છે. પટાવાળાથી પ્રાઇમ મિનિસ્ટર સુધી અને વામનથી વિરાટ સુધી વ્યક્તિઓનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય શિક્ષક કરે છે. મોટા મોટા એન્જીનીયરો, ડોક્ટરો કે વૈજ્ઞાનિકોને બનાવનાર પણ એક શિક્ષક જ છે. ખરેખર શિક્ષક એ આ પૃથ્વી પરના ભગવાન સમાન છે. તેથી જ સંત કબીર કહે છે કે, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ દીયો બતાય. સમાજમાં શિક્ષકનું અણમોલ મહત્વ છે. બાળકમાં દેવના દર્શન કરવાની જીજીવિષા જાગે તે જ સાચો શિક્ષક. શિક્ષક સમાજનો મશાલચી છે. શિક્ષકે સમાજની સેવા કરતા કરતા પોતાનું જીવન વ્યતીત કરવાની કેળવણી હસ્તગત કરવાની હોય છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના વારસ બની ઉત્તમ અધ્યાપન કાર્ય કરી વિદ્યાર્થીઓના હૃદયમાં વટવૃક્ષ બનવાનું કાર્ય શિક્ષકત્વ થકી થાય છે.
Mo.૯૮૨૫૭૦૨૨૮૨