સાવરકુંડલા તાલુકાની શ્રી ધજડી પ્રાથમિક શાળામાં ગઈકાલે એક રંગારંગ બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, એસ.એમ.સી. સભ્યો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેળાની શરૂઆત માતા સરસ્વતીની પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, નેતૃત્વ શક્તિ અને સામાજિક કૌશલ્યોનો વિકાસ કરવાનો હતો. ધોરણ ૧થી ૫ના વિદ્યાર્થીઓએ વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, જેમાં બાળવાર્તા, નાટકો, માટીકામ, ચિત્રકામ, રમતો, વિજ્ઞાન પ્રયોગો અને વેશભૂષા જેવી સ્પર્ધાઓનો સમાવેશ થતો હતો. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભાઓ બહાર આવી હતી. કાર્યક્રમના અંતે, વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય રવજીભાઇ બગડાએ આભારવિધિ કરી હતી.