(૧) તમે લગ્ન કરવા ગયા ત્યારે તમારું બીપી કેટલું હતું ?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
લગ્નવિધિમાં ક્યાંય બીપી માપવાની વિધિ આવતી નથી.
(૨) એવો ક્યો ગ્રહ છે કે જે માણસ પર વધારે અસર કરે છે?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
દુરાગ્રહ.
(૩) સાહેબ..! મોટામાં મોટી ભુલ કઈ?
ધોરાજીયા કેવિન ઘનશ્યામ (સાજણટીંબા હાલ કેનેડા)
મારી કે તમારી?!
(૪) તાજમહેલને આંસુની ઈમારત કેમ કહેવાય છે?
ધોરાજીયા ચંદ્રકાંત એન. (સાજણટીંબા)
બધું માની ન લેવાય. એમ તો એક બહેન એના પતિના ઘરને સાસુની ઈમારત કહે છે!
(૫) દારૂડિયો દારૂને પીવે છે કે દારૂ દારૂડિયાને પીવે છે?
મુસ્તુફા કનોજિયા (રાજુલા)
સ્થળ પર તપાસ કર્યા પછી કહું!
(૬) ઉભી કોલમમાંથી આડી કેમ થઈ ગઈ??
ડા.વિનોદ જાડા (જામનગર)
ઉભી હોય એ ગમે ત્યારે ચાલતી થઈ જાય. આડી થઈ એનો મતલબ એ કે હવે જામી ગઈ છે.
(૭) જેસલની જેમ આપણેય પાપ પ્રકાશી દઈએ તો આપણી તોરલ જીરવી શકે ?
કનુભાઈ પરમાર (દામનગર)
ટ્રાઇ કરી જુઓ અને જાહેર જનતાના લાભાર્થે આપના અનુભવો સોશ્યલ મીડિયામાં રજૂ કરો.
(૮) અંબાલાલ કાકાનો નંબર હોય તો એમને પૂછો ને કે હું છકડો વેચીને નાવડી લઈ લઉં?
મહેન્દ્ર મકવાણા (કરજણ)
એનો નંબર મળે તો મારે નાવડીની એજન્સી જ લઇ લેવી છે!
(૯) અત્યારે તમે વિદ્યાર્થીઓને સરકારી નોકરીની તૈયારી કરવા વધુ કહો છો કે બિઝનેસ કરવાનું કહો છો?
મીરાં મેતરા (સુખપુર)
હું કાંઈ કહું એ પહેલા વિદ્યાર્થીઓ કહી દે છે કે સાહેબ, અમે સરકારી નોકરી કરતાં કરતાં સાઈડમાં બિઝનેસ કરીશું!
(૧૦) અંબાલાલની આગાહી આટલી સાચી કઈ રીતે પડે છે?
કોબાડ ભગવાન એસ. (મોટા સરાકડિયા)
હું અંબાલાલને આગાહી કરવામાં છુપી રીતે મદદ કરું છું એવી તમને શંકા છે ને, હે ને?
(૧૧) આ ઇન્ટરનેટ ક્યાં બનતું હશે?
રાઠોડ અનિરુદ્ધસિંહ (નવા વાઘણીયા)
તમારે નેટ ટકતું ન હોય તો ચીનમાં બનતું હોવું જોઈએ.
(૧૨) અગાઉ હાસ્યાય નમઃ ઉભું આવતું હતું, હવે આડું કેમ આવે છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલ જિ.પંચમહાલ)
હમણાં સવાલ બહુ આડા આવે છે એટલે.
(૧૩) તમે કન્યા જોવા ગયા ત્યારે એમણે તમને કેવા સવાલ પૂછેલા?
સરદારખાન મલેક (મહેસાણા)
આ કોલમમાં પૂછાય છે એ સવાલો કરતા ગુણવત્તા સારી હતી! (૧૪) માણસને સ્માર્ટ ફોનનું વળગાડ ક્યાં સુધી રહેશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
આ સવાલ લખવા માટે તમે પણ સ્માર્ટ ફોનનો ઉપયોગ કર્યોને?!
(૧૫) માત્ર ને માત્ર ગાંડા પાસે જ વાહન ચલાવવાનું લાયસન્સ હોત તો?
કનુભાઈ લિંબાસિયા ‘કનવર’ (ચિત્તલ હાલ કેનેડા)
તો પગપાળા પ્રવાસ માટે પણ ડાહ્યા માણસોએ લાઇસન્સ લેવું પડત!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..