સાવરકુંડલા બાર એસોસીએશન દ્વારા ૧૩/૦૯/૨૦૨૪ના રોજ વકીલ મંડળના જુદા જુદા મુદ્દાઓ બાબતેવિસ્તૃત ચર્ચા-વિચારણા કરવા માટે એક અગત્યની મીટીંગ બોલાવવામાં આવેલ અને તેમાં સર્વાનુમતે વિવિધ ઠરાવો કરવામાં આવેલ. તે મુજબ, સાવરકુંડલા કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી કાયમી સરકારી વકીલ નથી અને કલેકટર દ્વારા ત્રણ દિવસ ધારીનાં સરકારી વકીલનો સોમ, મંગળ, બુધનો હુકમ થયેલ છે અને ગુરૂ, શુક્ર, શનિ માટે લીલીયાનાં સરકારી વકીલનો હુકમ થયેલ છે. જેમાં લીલીયાનાં સરકારી વકીલની નિયમિત ગેરહાજરીનાં કારણે અદાલત પોતાની વિવેકબુદ્ધિની સત્તા વાપરીને જામીન અરજી અંગે તેમજ મદ્દામાલ અરજી અંગે કોઈપણ પ્રકારનો નિર્ણય કરતી નથી. જેથી રજૂ કરેલ આરોપીઓને જેલ વોરંટથી જેલમાં મોકલવામાં આવતા હોય છે અને લોકો ન્યાયથી વંચિત રહેતા હોય છે.આવા અનેક મુદ્દાઓને લઈને કોર્ટ કાર્યવાહીથી અનિશ્ચિત સમય સુધી કોર્ટથી અળગા રહેવાનો ઠરાવ કરવામાં આવેલ છે અને જ્યાં સુધી પરિણામ નહિ આવે ત્યાં સુધી વકીલો કોર્ટ કાર્યવાહીનો બહિષ્કાર કરશે તેવો ઠરાવ થયેલ છે, તેવું પ્રમુખ ભૂપેન્દ્રભાઈ રાઠોડની યાદીમાં જણાવેલ છે.