(એ.આર.એલ),પોરબંદર,તા.૨
સીએમ ભુપેન્દ્ર પટેલે સ્વચ્છતા એ જ પ્રભુસેવા જણાવતા પોરબંદરની છાયા નગરપાલિકામાં શ્રમદાન કર્યુ હતુ. તેમણે પોતે ઝાડુથી કચરો વાળીને બધાને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. તેની સાથે તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીએ લોકોને સ્વરાજ્યની સાથે સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મહાત્મા ગાંધીની જન્મ જયંતી એ પોરબંદરના સુદામા મંદિર પરિસરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈશ્રમદાનમાં સહભાગી થયા હતા તેઓની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના મહાનુભાવો સહભાગી થયા હતા.
આ પહેલાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વધર્મ પ્રાર્થનામાં પણ તેઓ સહભાગી થયા હતા. તેમણે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાન નો વિચાર આપ્યો છે.મોદીએ એ જ સ્વરાજ્ય ને સુરાજ્યમાં પલટાવી અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોદીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીના અંત્યોદયના મંત્ર સાથે ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી વિકસિત ભારતના ચાર સ્તંભ ને પણ સશક્ત કર્યા છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરુ મહત્વ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવીને વિશ્વભરમાંથી લોકો સર્વ ધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે, એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા ૧૦ વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી. સ્વચ્છતા એ જન ભાગીદારીનું કાર્ય છે અને એ આપણે સાર્થક કર્યું છે.આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચારમૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ તેમ તેમણે જણાવ્યું હતું.કેન્દ્રીય મંત્રી ડા. મનસુખભાઈ માંડવીયાએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાજ્યશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે.