આજે ક્રિસમસ છે. ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોમાં ક્રિસમસ સેલિબ્રેશનનું પ્રમાણ વધ્યું છે. ખ્રિસ્તીઓમાં ક્રિસમસનું સેલિબ્રેશન ૨૫ ડિસેમ્બરે જીસસ ક્રાઈસ્ટના જન્મદિનથી શરૂ કરીને નવા વર્ષની શરૂઆત એટલે કે ૧ જાન્યુઆરી સુધી થાય છે. હિંદુઓ પોતાના તહેવારો છોડીને ક્રિસમસ સેલિબ્રેશન કરે ને થર્ટી ફસ્ટ તો દિવાળી કરતાં પણ વધારે ધૂમધામથી મનાવે એવું ચલણ વ્યાપક બનતું જાય છે. તેનું કારણ ક્રિસમસનું જબરદસ્ત માર્કેટિંગ છે. આ માર્કેટિંગના ભાગરૂપે સાંતાક્લોઝને ગ્લોરિફાય કરીને ભારતમાં નાનાં બાળકોમાં લોકપ્રિય બનાવાયા. તેના કારણે પરિવારો ક્રિસમસના સેલિબ્રેશન તરફ વળ્યા.
બીજી તરફ થર્ટી ફસ્ટના સેલિબ્રેશન દ્વારા યંગસ્ટર્સને આકર્ષવાનો ખેલ કરાયો.
હોટલો, રેસ્ટોરન્ટ્‌સ, ક્લબ્સ વગેરેએ પોતાનો ધંધો વધારવા માટે થર્ટી ફસ્ટની પાર્ટીઓનું ચલણ શરૂ કર્યું. ગુજરાતમાં તેનું બહુ ચલણ નથી પણ જ્યાં દારૂબંધી નથી એવાં રાજ્યોમાં તો ધૂમધડાકાવાળા સંગીત સાથે નાચવાનું, ડાન્સ કરવાનો અને દારૂ પીવાનો ને એ રીતે થર્ટી ફસ્ટની ઉજવણી કરવાનો જબરદસ્ત ટ્રેન્ડ જ ચાલે છે. ભારતમાં હિંદુઓની બહુમતી છે એટલે હિંદુઓ ના જોડાય એવું કોઈ સેલિબ્રેશન આખા દેશમાં ના ચાલે. થર્ટી ફસ્ટનું સેલિબ્રેશન દેશવ્યાપી બની ગયું કેમ કે હિંદુઓ પણ તેમાં હોંશે હોંશે ભાગ લે છે. થર્ટી ફસ્ટની નાઈટમાં પાર્ટી કરવા ના જાય તો પણ ખ્રિસ્તીઓના નવા વરસને વધાવવા રાત્રે ૧૨ વાગે રસ્તા પર ઉમટી તો પડે જ છે.
હિંદુઓના બેસતા વરસને આવકારવા ક્યારેય ના જોવા મળતી હોય એવી ભીડ થર્ટી ફસ્ટની નાઈટ વખતે જોવા મળે છે.
ભારતમાં ખ્રિસ્તી ધર્મની એન્ટ્રી ઈસવી સનની પહેલી સદીમાં જ થઈ ગયેલી.
સેન્ટ થોમસે લખેલા ધ એક્ટ્‌સ ઓફ થોમસમાં ઉલ્લેખ છે કે ભારતીય ઉપખંડમાં ખ્રિસ્તી ધર્મનો પરિચય થોમસ નામના ધર્મપ્રચારક દ્વારા કરવામાં આવ્યો હતો. થોમસ ઈસવી સન ૫૨માં એટલે કે લગભગ પોણા બે હજાર વર્ષ પહેલાં મલબાર પ્રદેશ એટલે કે હાલનું કેરળ છે ત્યાં ગયા હતા. થોમસે સૌથી પહેલાં યહૂદીઓને ખ્રિસ્તી બનાવ્યા. એ રીતે મલબારના યહૂદીઓ ભારતના પહેલા ખ્રિસ્તીઓ હતા કે જે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા હાલના કેરળમાં સ્થાયી થયા હતા. સેન્ટ થોમસ ગેલીલ (હાલનું ઇઝરાયેલ) ના અરામાઇક બોલતા યહૂદી હતા અને ઇસુ ખ્રિસ્તના શિષ્યોમાંના એક હતા. થોમસ ભારતમાં ધર્માંતરણ કરાવવા માટે યહૂદીઓની શોધમાં આવ્યા હતા. લગભગ ૨૦ વર્ષોના ધર્મપ્રચાર પછી થોમસની મદ્રાસ (ચેન્નઈ)માં હત્યા થઈ ગઈ હતી. થોમસને ચેન્નાઈના માયલાપોરની પડોશમાં આવેલા સેન્ટ થોમસ માઉન્ટ ખાતે દફનાવવામાં આવ્યા હતા. ભારતમાં ઈસવીસન ૬૦૦ સુધીમાં મલબાર પ્રદેશમાં ખ્રિસ્તી સમુદાય મજબૂત રીતે સ્થાપિત થઈ ગયો હતો. ભારતમાં ખ્રિસ્તીઓ ચર્ચ ઓફ ધ ઈસ્ટ સાથે જોડાયેલા નેસ્ટોરિયનોથી બનેલો હતો. આ ખ્રિસ્તીઓ પૂજા માટે સીરિયન વિધિનો ઉપયોગ કરતા હતા.
ભારતમાં ખ્રિસ્તી ધર્મનો વ્યાપ યુરોપીયન પ્રજાના આગમનથી વધ્યો. પોર્ટુગીઝ સાહસિક વાસ્કો દ ગામા ૧૫મી સદીમાં ભારત તરફના દરિયાઈ માર્ગની શોધમાં મલબાર આવ્યો એ સાથે ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રચાર અને પ્રસારનો યુગ શરૂ થયો. ગોવા, ટ્રાન્કેબાર, બોમ્બે, મદ્રાસ અને પોંડિચેરીની યુરોપિયન વસાહતોમાં રહેતા લોકો પશ્ચિમી ખ્રિસ્તી ધર્મ પાળતા તેથી તેમની સાથે સંપર્કમાં આવનારા પણ ખ્રિસ્તી બન્યા. ભારતમાં કેથોલિક (લેટિન અને સિરિયાક વિધિઓ) અને પ્રોટેસ્ટંટિઝમના વિવિધ સ્વરૂપો પ્રમાણે ખ્રિસ્તી ધર્મ પળાતો. પોર્ટુગીઝોએ હિંદુઓ પર જુલમ ગુજારીને અને મંદિરોના વિનાશ કરીને મોટા પાયે ધર્માંતરણ કરાવ્યું. અંગ્રેજોના શાસનમાં સત્તાના પ્રભાવ હેઠળ ધર્માંતરણ વધ્યું તેથી ખ્રિસ્તી ધર્મ ભારતમાં નોંધપાત્ર ધર્મ બન્યો. ભારતના લગભગ બે તૃતીયાંશ એટલે કે ૬૫ ટકા ખ્રિસ્તીઓ દક્ષિણ ભારત, ગોવા અને મુંબઈમાં છે.
ભારતમાં ખ્રિસ્તી કેટલા છે ?
લગભગ ૨.૮૦ કરોડ અનુયાયીઓ સાથે ખ્રિસ્તી ધર્મ ભારતનો હિંદુ અને ઈસ્લામ પછીનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે. ઉત્તરપૂર્વ ભારતમાં નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં ખ્રિસ્તી ધર્મ સૌથી મોટો ધર્મ છે. અરુણાચલમાં પણ લગભગ ૩૦ ટકા રાજ્ય ખ્રિસ્તી છે. મૂળ ખ્રિસ્તીઓની સાથે મિશ્ર યુરેશિયન લોકો જેમ કે એંગ્લો-ઈન્ડિયન્સ, લુસો-ઈન્ડિયન્સ અને આર્મેનિયન ઈન્ડિયન્સ પણ ભારતમાં છે કે જે ખ્રિસ્તી ધર્મ પાળે છે.
૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ભારતની કુલ વસ્તીના ૨.૩ ટકા એટલે કે ૨.૬૦ કરોડ લોકો ખ્રિસ્તી છે. અલબત્ત આ આંકડો છેતરામણો છે અને વાસ્તવિક રીતે ખ્રિસ્તીઓની વસતી વધારે હોઈ શકે છે. ભારતમાં આદિવાસીઓનું મોટા પાયે ધર્માંતરણ થઈ રહ્યું છે પણ એ લોકોમાંથી મોટા ભાગના પોતે ખ્રિસ્તી છે એવું લખાવતા નથી. આ સંજોગોમાં ખ્રિસ્તીઓની વાસ્તવિક વસતી સરકારી આંકડામાં છે તેના કરતાં બમણી હોઈ શકે છે. ૧૯૫૦ની પહેલી વસતી ગણતરી વખતે ૮૩ લાખ ખ્રિસ્તી હતા ને કુલ વસતીમાં તેમનું પ્રમાણ ૨.૩ ટકા જ હતું એ જોતાં કાગળ પર તેમનું પ્રમાણ ભલે ના વધ્યું પણ વાસ્તવિક રીતે વધ્યું હોઈ શકે છે. જાણીને આશ્ચર્ય થશે પણ દેશનાં ૭ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ખ્રિસ્તીઓની વસતી ૧૦ ટકાથી વધારે છે. ગુજરાતમાં લગભગ સાડા ત્રણ લાખ ખ્રિસ્તી છે અને કુલ વસતીમાં તેમનું પ્રમાણ માંડ અડધો ટકા છે તેથી ગુજરાતમાં ખ્રિસ્તીઓનો પ્રભાવ નથી પણ ભારતનાં ઘણાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં ખ્રિસ્તીઓનો વ્યાપક પ્રભાવ છે. જાણીને આશ્ચર્ય થશે પણ નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં તો ખ્રિસ્તીઓ બહુમતીમાં છે. ભારતમાં ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ વસતીની રીતે કેરળમાં સૌથી વધારે ખ્રિસ્તી રહે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ કેરળમાં કુલ વસતીના ૧૮.૩૮ ટકા એટલે કે ૬૧.૪૧ લાખ લોકો ખ્રિસ્તી છે. વસતીમાં ટકાવારીની રીતે નાગાલેન્ડમાં સૌથી વધારે ૮૭.૪૧ ટકા ખ્રિસ્તી છે. નાગાલેન્ડમાં ૧૭.૩૯ લાખ ખ્રિસ્તી છે. મિઝોરમ તેનાથી બહુ પાછળ નથી. મિઝોરમમાં ૯.૫૬ લાખ એટલે કે કુલ વસતીના ૮૭.૦૬ ટકા ખ્રિસ્તી છે. મેઘાલયમાં પણ ૭૪.૫૯ ટકા એટલે કે ૨૨.૧૩ લાખ ખ્રિસ્તી છે.આ ત્રણ રાજ્યોમાં તો ખ્રિસ્તીઓ બહુમતીમાં છે જ પણ અન્ય નોધપાત્ર વસતી ધરાવતાં રાજ્યોમાં મણિપુરમાં ૧૧.૭૯ લાખ (૪૧.૨૯ ટકા), અરૂણાચલ પ્રદેશમાં ૪.૧૮ લાખ (૩૦.૨૬ ટકા) અને ગોઆમાં ૩.૬૬ લાખ (૨૫.૧૦ ટકા) ખ્રિસ્તી છે. કેન્દ્રશાસિત પ્રદેશ આંદામાન અને નિકોબારમાં ૩.૮૦ લાખ એટલે કે ૨૧.૨૮ ટકા ખ્રિસ્તી છે.
ખ્રિસ્તીઓમાં પણ ફાંટા છે. દુનિયામાં એવો પ્રચાર કરાય છે કે, ખ્રિસ્તીઓમાં ભેદભાવ નથી અને બધા ખ્રિસ્તી સમાન છે પણ ખ્રિસ્તીઓમાં પણ જાત જાતના ફાંટા છે. રોમન કેથોલિક, પ્રોટેસ્ટન્ટ બે મુખ્ય સમુદાય છે પણ એ સિવાય પણ બીજાં સંખ્યાબંધ ખ્રિસ્તી સમુદાય અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં પણ અલગ અલગ ખ્રિસ્તી સમુદાયો છે. એંગ્લો-ઈન્ડિયન લોકો, બંગાળી ખ્રિસ્તીઓ, બેતિયાહર ખ્રિસ્તીઓ, બોમ્બે ઈસ્ટ ઈન્ડિયન કેથોલિક, ક્રિશ્ચિયન રિવાઇવલ ચર્ચ, દલિત ખ્રિસ્તીઓ, ગોઆન કેથોલિક, કરવારી કૅથલિક, કાનન્યા ખ્રિસ્તીઓ, મલબારના લેટિન કેથોલિક, મેંગ્લોરિયન ખ્રિસ્તીઓ, મરાઠી ખ્રિસ્તીઓ, મેઈતેઈ ખ્રિસ્તીઓ, પ્રોટેસ્ટન્ટ, પંજાબી ખ્રિસ્તીઓ, રેડ્ડી કેથોલિક, સેન્ટ થોમસ ખ્રિસ્તીઓ, તમિલ ખ્રિસ્તીઓ, તેલુગુ ખ્રિસ્તીઓ એમ જાત જાતના ફાંટા છે. ભારતમાં પણ દુનિયાના બીજા દેશોની જેમ અલગ અલગ ચર્ચને અનુસરનારા ખ્રિસ્તીઓ છે. હિંદુઓમાં સંપ્રદાય હોય એ રીતે ખ્રિસ્તીઓમાં ચર્ચ હોય છે. ભારતમાં અલગ અલગ પ્રકારના ૫૦ જેટલાં ચર્ચ છે. આ પૈકી સૌથી વધારે અનુયાયી લેટિન ચર્ચ એટલે કે કેથોલિક સંપ્રદાયના છે. ભારતના ૨.૬૦ કરોડ ખ્રિસ્તીઓમાંથી ૧.૧૮ કરોડ રોમન કેથોલિક છે જ્યારે ૪૦ લાખથી વધુ સીરિયન ચર્ચને અનુસરે છે. પ્રોટેસ્ટન્ટ પણ ૬૦ લાખ જેટલા છે ને તેમાંથી લગભગ ૩૦ લાખ બેપ્ટિસ્ટ છે. આ સિવાય ૨૦ હજારથી શરૂ કરીને ૫ લાખ સુધીના અનુયાયીઓ ધરાવતા ચર્ચ છે. હિંદુઓમાં નાના-નાના સાધુ બાવા પોતપોતાના સંપ્રદાય બનાવીને દુકાન ચલાવે એ રીતે ખ્રિસ્તીઓમાં પણ ફાંટા છે. ઉત્તર ભારતમાં સૌથી જૂનું જાણીતું ખ્રિસ્તી જૂથ બિહારના બેતિયા ખ્રિસ્તીઓ છે કે જેની સ્થાપના ૧૭૦૦ની શરૂઆતમાં થઈ હતી. ઉત્તર ભારતનું ચર્ચ અને દક્ષિણ ભારતનું ચર્ચ પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયને અનુસરે છે. પ્રોટેસ્ટન્ટમાં એંગ્લિકન્સ, કેલ્વિનિસ્ટ, મેથોડિસ્ટ અને અન્ય જૂથો છે. આ ચર્ચો વિશ્વવ્યાપી એંગ્લિકન કોમ્યુનિયન, વર્લ્ડ કમ્યુનિયન ઓફ રિફોર્મ્ડ ચર્ચ અને વર્લ્ડ મેથોડિસ્ટ કાઉન્સિલનો ભાગ છે.
ખ્રિસ્તીઓથી હિંદુઓ અને હિંદુત્વને ખતરો છે ?
ખ્રિસ્તી તહેવારોનો વધતો પ્રભાવ હિંદુત્વ પર મોટો ખતરો છે કેમ કે તેના કારણે આપણી પરંપરાઓ બાજુ પર મૂકાતી જાય છે. અત્યારે ખ્રિસ્તીઓની વસતી બહુ નથી તેથી મોટો ખતરો લાગતો નથી પણ મણિપુરની ઘટનાએ સાબિત કર્યું કે, ખ્રિસ્તીઓની વધતી વસતી ભવિષ્યમાં હિંદુઓ માટે ખતરો બની શકે, ખ્રિસ્તીઓ મોટા પાયે ધર્માંતરણ કરાવે છે તેથી આપણને ખબર ના પડે એ રીતે હિંદુઓની વસતી ઘટી રહી છે અને ખ્રિસ્તીઓની વધી રહી છે. મણિપુરમાં ચાર દાયકા પહેલાં ૧૦ ટકાની આસપાસ ખ્રિસ્તી હતા તે વધીને ૪૦ ટકાને પાર થઈ ગયા પછી હવે હિંદુઓને જ નિશાન બનાવી રહ્યા છે.
આ સ્થિતી બીજે પણ થઈ શકે.