ફરી એક વખત ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અંકલેશ્વર નજીક હાઇવે પર આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જ્યાં પૂરપાટ ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે એક મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોલેજ જઈ રહેલા બે યુવકોના મોત નીપજ્યાં છે.

આજે સોમવારે સવારે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે-૪૮ પર ખરોડ ચોકડી નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન દ્વારા મોપેડને ટક્કર મારવામાં આવી હતી. જ્યારે મોપેડ પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. મૃતક યુવાનો દઢાલ ગામના રહેવાસી ૧૮ વર્ષીય હર્ષ વસાવા અને ૧૯ વર્ષીય ધ્રુમિલ વસાવા હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને કોસંબા ખાતે આવેલી કોલેજ તરફ જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. પાનોલી પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે, રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. ન્યારી ડેમ પાસે એક કારચાલકે અકસ્માત સર્જ્‌યાની ઘટના બની હતી. બેફામ બનીને કાર ચલાવતા કાર ચાલકે ૨ બાઈક સવારને અડફેટે લીધા હતા. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો અને કેટલાક લોકો પોતાના વાહનો લઈને કાર ચાલકની પાછળ પડ્યા હતા અને ઝડપી લીધો હતો. અકસ્માત સર્જીને ભાગી રહેલા કાર ચાલકનો ફિલ્મી ઢબે પીછો કરતા લોકોનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહત્વનું છે કે, ચાલકને સ્થાનિકોએ ઝડપી લીધા બાદ પોલીસના હવાલે કર્યો હતો. તો બીજી તરફ બાઈક સવાર ઈજાગ્રસ્ત થતાં તેને ૧૦૮ની મદદથી નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.