હાલ ઉનાળો કેર વરતાવી રહ્યો છે અને આકાશમાંથી જાણે અગન વર્ષા થઈ રહી છે જેને લઇ કાળજાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે પણ હિટવેવ ની આગાહી કરી છે. આવા સમયે અંબાજી મંદિર પ્રશાસન દ્વારા માઈ ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીને ધ્યાને રાખી માઈભક્તોને ગરમીમાંથી રાહત આપવા માટે ઠેર-ઠેર કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાથે જ ઠેર-ઠેર પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. બહારથી આવતા ભક્તો માટે છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ચાચર ચોક અને પરિસરમાં ભક્તોને બેસવા માટે ટેન્ટ બાંધી છાયડો કરવામાં આવ્યો છે. કેટલાક ટેન્ટમાં જ્યાં મોટી સંખ્યામાં યાત્રીકો ઉભા રહેતા હોય તેવી જગ્યા પર મંડપમાં જ સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેમાથી નીકળતા પાણીના ફુવારાને કારમે ગરમીમાંથી આવેલા યાત્રિકોને ગરમીથી આંશીક રાહત પણ મળી રહી છે.
પ્રસિદ્ધ ગાયિકા અનુરાધા પૌડવાલે પણ અંબાજી મંદિરના દર્શનાર્થે આવ્યા હતા. આ તકે મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે કરાયેલી વ્યવસ્થાની તેમણે પ્રશંસા કરી અને ટ્રસ્ટનો આભાર માન્યો હતો. તેમજ અનુરાધા પોંડવાલના ફાઉન્ડેશન દ્વારા જે વ્યક્તિઓને કાને ઓછુ સંભળાતુ હોય તેવાં અસરગ્રસ્ત લોકોની સારવાર કરી આપવા આવે છે. જેનો લાભ લેવા માટે પણ અપીલ કરી હતી અને આવા કોઇ દર્દી જણાય તો અંબાજી મંદિરના વહીવટદારનો સંપર્ક કરવાં જણાવ્યુ હતુ.