અંતે ગંગાના પવિત્ર પ્રવાહમાં ફૈબાના અસ્થિ વહી ગયા…
હરિદાસ ભીનાં નેત્રે અસ્થિ ભરેલા ફૂલસજ્જીત પડિયાને તાકી રહ્યો. જાણે ફૈબા છેલ્લીવારે આવજા કહીને જઇ રહ્યા હતા. હવે જાણે કયારેય પાછા ફરવાનાં નહોતા. એક તો નાનપણનો રંડાપો ! અને નિઃસંતાનપણાની પીડા ! સંતાન માટે વલખતાં ફઇબાને હરીદાસમાં પુત્રવત ભાવ હતો એમ તો જેઠનો દીકરો- વીરાજીને ખોળે બેસાડયો હતો. પણ પંડયનાં જણ્યા અને પારકાં જણ્યા ફેર તો પડે જ ને ? છતાં, વીરાજીએ ફઇબા પાછળ યથાશક્તિ દાન પૂન્ય કર્યું હતું.
અસ્થિવિસર્જનની સાંજે વીરાજીએ હરિદાસને કહ્યું: “ભાઇ, હવે હું નીકળું, એકલપંડે ખેડનું કામ અને મારા બાપુની તબિયત…”
“વીરાજી” હરિદાસ રૂમની બારીમાંથી દેખાતા ગંગાના ખળખળ વહેતા જળરાશિને તાકી રહ્યો પછી બોલ્યો: “ હવે સાથે આવ્યા, સાથે જ જઇશું. આ જા હરદ્વારની પવિત્ર ભૂમિ અને આ મનખા’ દેહ ! તને આ ભૂમિ ખેંચતી નથી ? મારૂં તો મન ઉલ્ટાનું એમ કહે છે કે હવે અહીંયા જ રોકાઇ જાઉં. હવે ખેડ, ઘર, ખોરડી, વાડી – પડા, ઢોર – ઢાંક,… જાણે ગળેથી છૂટી ગયું હોય એમ લાગે છે. અંદરથી તો અવાજ આવે છે કે હવે ઘરે જવું જ નથી.”“ખેંચાણ તો મને પણ છે, હું ય ભજનાનંદી માણસ છું પણ વ્યાવહારિક ફરજ બજાવવાની છે એમાં પાછીપાની કરીએ તો ભાગે પડતું આવતું કરમ પૂરૂં ન કર્યાનો પાપનો ભાવ પણ પીડે છે, તમે બેય જણાં મન પડે ત્યાં લગી રોકાજા મારે નીકળવું પડે એમ છે.”
“ઠીક છે..” હરિદાસે કહ્યું અને હરિદાસની સંમતિ લઇને વીરાજી તે રાત્રે નીકળી ગયો.
ગંગાનો અવિરત પ્રવાહ… ગંગાના કાંઠે આવેલા જુદા જુદા ઘાટ, ઉમટેલો માનવમહેરામણ… આસપાસના જાતરાના સ્થળો, ઋષિકેશની મનમોહક પ્રકૃતિ ! અહીં આવ્યાને આજે બીજા દિવસ છે પણ હરિદાસ તો હરિદ્વારની તપોભૂમિમાં આવીને તલ્લીન થઇ ગયો છે. સંમોહિત ભાવુક અને ભક્તિમાં લીન હરિદાસ પળે પળે ગંગાની પવિત્રધારાને પ્રણામ કરતો રહે છે. ગુજરાતી સમાજમાં બે ટંક જમવાનું, ચા – પાણી અને સરસ મજાનો રૂમ… હરિદાસ નાનકડા લાલાને તેડી તેડીને ઘાટે ઘાટે ફેરવે છે. રૂપા પણ ભીતરથી ખુશ અને પ્રસન્ન થઇ ઉઠી છે. એમાં વળી, પોતાના મામાના ગામની જાત્રાળુની બસ આવી છે તો મોસાળમાં સંબંધે થતી મામી, મામા, ભાઇ-ભાભી, નાનીમાની ઉંમર સરખી, માની ઉંમર સરખી માતાઓ પણ મળી છે એટલે એમની સાથે એમની સંગાથે હરિદ્વારમાં આવેલા મંદિરોમાં દેવદર્શન કરવા ચાલી જાય છે અને હરિદાસ લલ્લાને સાચવે છે.
—–“હર કી પૌડી” ઉપર નાનકડા લલ્લાને ખંધોલે બેસાડીને હરિદાસ નાની નાની ડૂબકીઓ મરાવી ગલતાન કરાવી રહ્યો હતો. પાણીનું તાણ ઓછું હતું તો કયારેક ખંભેથી ઉતારી બેય હાથમાં ઝીલતો, તો કયારેક હાથમાં હિંચોળતો. લલ્લો પાણીમાં કેડ સુધી ડૂબતો ત્યારે ખડખડાટ હસી પડતો “હજી, હજી” કરતો લલ્લો, હરિદાસને કહેતો હતો જાણે કે હજી મને પાણીમાં ડૂબકીઓ મરાવો…
“સારૂ ચાલ બસ ?” હરિદાસે લલ્લાનો ગાલ ચૂમી લીધો પછી કહ્યું: “પણ આમ કપડા સોતી ડૂબકીઓ મારવાથી મજા નહીં આવે એના કરતા તારો બુશ્કોટ કાઢી નાખું તો ઉઘાડા ડિલે નહાવાની તને ઔર મજા આવશે.”
બે અઢી વરસનું બાળક આ બધી વાતોને તો શું સમજે ? પણ હરિદાસે તેને પગથિયા પર ઊભો રાખ્યો એટલે લલ્લો કૈંક સમજવા તો મથ્યો કે બાપુ કોઇક નવી રમત રમાડવાના છે. એ ઠાવકો થઇ ઊભો રહ્યો કે હરિદાસે તેનો બુશર્ટ કાઢીને પગથિયે મૂક્યો અને એની ઉપર એક પથ્થરનું છીપલું મૂક્યું. રખેને બુશર્ટ પાણીમાં જતો ન રહે. અચાનક સામે બેઠેલો એક જણ લલ્લાનું ઉઘાડું શરીર જાઇ ચમક્યો.
આમ તો એ સામેના પગથિયા ઉપર બેઠો બેઠો બાપ – દીકરાની આ પ્રેમાળ મસ્તી અને રમતને પ્રેમાળ નજરે તાકી તો રહ્યો જ હતો. પણ જેવો હરિદાસ તેના શરીર ઉપરનો બુશકોટ ઉતાર્યો કે એ ચોંક્યો. બાળકની પીઠ ઉપર તો સોપારી જેવડું એક લાખું હતું, બિલકુલ એવું જ, એવડું જ લાખું પોતાને પણ હતું. એ ચોંકેલી નજરે તેને તાકી જ રહ્યો. આ તરફ હરિદાસ તો લલ્લાને વધુને વધુ લાડ કરાવતો પાણીમાં ડૂબકીઓ લગાવી મસ્તી કરાવતો હતો કે એકવાર લલ્લાને ગળા સુધી ડૂબકી લગાવડાવી દીધી કે સામે જ બેઠેલા પેલા જણથી રાડ પડાઇ ગઈ:“ એ મોટા હળવે એલા ક્યાંક તું છોકરાને ડૂબાડી દઇશ…”હરિદાસે લલ્લાને તેડી લીધો અને અવાજની દિશામાં જાયું તો એક દાઢી – જટાજુટ જટા અને ઉંડી ઉતરી ગયેલી આંખો અને સાંઠી ડાખળા જેવા શરીરવાળા એક ભગવી કંથાધારી જુવાનને જાયો. એના દરહણ અને દિદાર જાતા એમ લાગ્યું કે કોઇ વખાનો માર્યો જણ લાગે છે અને ભગવા પહેરી કોઇ કારણોસર સૂરજ ખરા બપોરે આથમી જાય તેવા એના દરહણ લાગતા હતા બાકી કાળા ભમ્મર વાળની જટા જાતા એવું લાગે નહી કે આ આદમીએ પાંત્રીસીય પૂરી કરી હશે.
“શું છે બાવાજી ?” હરિદાસે કાંખમાં લલ્લાને તેડયે તેડયે પૂછયું: “ હું મારા દીકરાને નવડાવું છું એમા તને શું વાંધો પડયો ?”
“અરે, મોટા… મારૂં કહેવાનો અરથ એવો નથી. તમ તમારે નવડાવો. મને શું વાંધો હોય ? પણ તમે એને ગળા લગણ ડૂબકી મરાવી ત્યારે મારો જીવ અહીંયા ઊંચો થઇ ગયો પવન, આગ અને પાણી.. આનો ભરોસો ન હોય મોટા.” કરતો કરતો પડખે આવ્યો. “પણ મારી ઉપર તો તમને ભરોસો હતોને ? હું બાપ ઉઠીને એને થોડો ડૂબાડી દઉ?” હરિદાસે લલ્લાને નીચે ઉતાર્યો તો લલ્લો એને ગળે વળગીને કહે: “હજી નહાવું છે માલે..બાપુ….હજી નવલાવોને.” જવાબમાં હરિદાસ હસી પડયો. લલ્લાને ગળે વળગાડી દીધો અને પછી બે ચાર ડૂબકી લગાવી, બુશર્ટ પહેરાવી ઘાટના પગથિયા ચડી ધરમશાળાના રસ્તે પડયો કે પાછળ પાછળ પેલો બાવો આવ્યો.
“એ મોટા, કયાં રહેવા ?”
“રહેવા તો બહુ આઘા બાવાજી, પણ કેમ એમ પૂછે છે ?”
“તમારી બોલી મારા મલકની લાગી એટલે.”
“સારૂ, સારૂ… તઇ રામેરામ”
“અરે પણ ઘડી બે ઘડી ઊભા તો રો’ મોટા”
“હા, પણ તમારે કામ શું છે એ બોલોને.”
“કામ તો કાંઇ નહીં પણ તમે તમારૂં નામ નો આપ્યું, ગામનું નામ ન કીધું એટલે.” “જાણીને તમે શું કરશો ?” હરિદાસે તેના લૂગડા ઉપર સરસરી નજર નાખતા કહ્યું: “ તમે તો સાધુ થઇ ગયા છો, પછી ?” “ તોય કયારેક પરભવના સમરણ મનને અકળાવી નાખે છે.” “તમારે સંત માત્યમાને વળી આ ભવ, પરભવ શું ? તમારે તો આ છેલ્લો જ ભવને વળી ?” હરિદાસને વાતુમાં રસ પડયો. “હા મોટા, ઇ તો બધુ મનને સમજાવવાની વાતુ છે. પણ આ ભગવા પહેરી લીધા પછી સરગાપુરી જ મળે એવું કાંઇ થોડું છે ? કરેલા કરમના બદલા દેવા પડે. ઇ હિસાબ સરભર થાય પછી સરગાપુરીના દરવાજા દેખાય. પણ એની પહેલા જા ચિઠ્ઠી ફાટી જાય તો તો પછી આવતે ભવ, આ ભવનું લ્હેણુ ચુકવવા આવવું જ પડે.” “તો તમે તો હમણાં પરભવની વાત કરીને ? પરભવના સમરણ આ ભવમાંય તમને યાદ રહે એ તો સારૂ કહેવાય.” જવાબમાં ઇ જણ હસ્યો, બોલ્યો ઃ “મોટા, પરભવ એટલે આ ભગવા પહેર્યા પહેલાની જિંદગી. ઇ અમારે માટે પરભવ” “તો પહેલાની જિંદગી ? ઇ વળી કેવી હતી ?” હરિદાસે વેધક સવાલ કર્યો. (ક્રમશઃ)