(૧) તમે ભરબજારે શું ખાતાં હતાં ? સમોસા કે બગાસાં?
ડાહ્યાભાઈ આદ્ગોજા (લીલિયા મોટા)
ખાવા ગયો હતો સમોસા પણ એ આવતા એટલી વાર લાગી કે બગાસાં ખાઈ ને ચલાવવું પડ્‌યું!
(૨) બસમાં ધારાસભ્ય માટે સીટ રિઝર્વ હોવા છતાં ક્યારેય બેસતા કેમ નથી ?
જીગર આહીર (દાત્રાણા- પાટણ)
રિઝર્વ હોય એટલે બેસવું જ પડે એવું કોણે કહ્યું?
(૩) કઈ ઉમરથી પુરુષ ભાભો ગણાય?
ધવલભાઈ પાનવાળા (રાજકોટ)
દરેક ઉમરના પુરુષમાં એક ભાભો હોય છે અને દરેક ભાભામાં એક પુરુષ હોય છે.
(૪) તમે તમારી કોલમમાં ‘ કવિઓના પ્રકારો’ હાસ્યલેખ લખેલો. સાંભળ્યું છે, તમે પણ કવિ છો!
હસમુખ બોરાણિયા ( અમદાવાદ)
બોલો, બત્રીસ વરસમાં મેં કવિતાની બેવડી સદી ફટકારી દીધી છે અને આપે હજી માત્ર હું કવિ છું એવું સાંભળ્યું છે!
(૫) સવાર પડે તો એ ક્યાં પડતી હશે ?
ગીરીશ મકવાણા (કોડીનાર)
જ્યાં રાત ન પડી હોય ત્યાં.
(૬) દુષ્યંત શબ્દમાં ષ અડધો શા માટે આવે છે?
યોગેશભાઈ આર જોશી (હાલોલઃજિ.પંચમહાલ)
નિશાળમાં હાજરીપત્રકમાં નામ સમાતું નહોતું એટલે સાહેબે ષ અડધો કરી નાખ્યો.
(૭) સાહેબ.. તમને કેમ ખબર પડે કે તમારા જવાબથી બધા હસતાં જ હશે..?
ધોરાજીયા ઘનશ્યામ એન. (સાજણટીંબા)
મેં ક્યાં કહ્યું બધા હસે છે? અમુક તો રીતસરના દાઝે પણ છે!
(૮) ઉનાળામાં મહેમાનો માટે બાથરૂમમાં આવી સૂચના લખવી જોઈએ. ”ન્હાતા પહેલા શાવર નીચે હથેળી રાખી પાણીનું ઉષ્ણતામાન ચેક કરી લેવું.” શું કહો છો ?
કનુભાઈ પરમાર (દામનગર)
મહેમાનોને નવડાવવા કરતાં ખવડાવવા પર વધારે ધ્યાન આપવાની જરૂર છે.
(૯) અત્યારે દેશને શેની વધારે જરૂર છે?
કટારિયા અમિત હિંમતભાઈ (કીડી)
સખણા રહે એવા પાડોશીની.
(૧૦) ટ્રમ્પસાહેબ ટેરિફ ન લગાવે એ માટે શું કરવું?
જય દવે (ભાવનગર)
આ કોલમમાં સવાલ પૂછે એના પર ટેરિફ નહી લાગે એવી અમારે સમજૂતી થઈ છે.
(૧૧) વેકેશનમાં શું કરવું?
નીરવ ડણાંક (અમરેલી)
વેકેશન પછી જે કરવાનું છે એની તૈયારી.
(૧૨) ‘મને મોકલ્યો હોત તો સારું હતું’ એનું હિન્દી શું થાય?
દર્શન પટેલ (વડોદરા)
તમે મોટા થયા પણ બાળપણ ના ગયું!
(૧૩) સ્ત્રીઓ વારંવાર અરીસામાં શું કામ જોતી હશે?
જયશ્રીબેન બી. મહેતા (કોટડાપીઠા)
અમારા ગામનાં મણીમા ઘણીવાર કહેતાં, ’ આયનો બાઈનો ભેરુ!’
(૧૪) મેરે મન કી ગંગા ઓર તેરે મન કી જમના કા બોલ રાધા બોલ સંગમ હોગા કી નહી?.. તમારું શું કહેવું છે? રામભાઈ પટેલ (સુરત)
તમારા અંગત મામલામાં નદીઓને શું કામ સંડોવો છો?
(૧૫) ઘણાં નિજાનંદ માટે કવિતા લખે છે. તમે?
ઉન્નતિ મહેતા (રાજકોટ)
બીજાનંદ માટે!
નોંધ.. આપના હાસ્યરસિક પ્રશ્નો આપના અને ગામનાં નામ સાથે વોટ્‌સએપ નં. ૯૫૭૪૩૭૪૪૫૩ પર મોકલો..