જીવન સંગ્રામમાં બાજી પલટાઈ ગયા પછી જીવન ફેંકી દેવા કરતા અજમાવી લેવું એજ આખરી ઉપાય. મને મારી નબળાઈ નડી ગઈ, પોતાના બદલે બીજા માટે વિચારવાની આદત નડી ગઈ, તમારી પાસે માત્ર કામ કઢાવતા લોકોના સ્વાર્થની ખબર થઈ ગઈ, હસતા ચહેરા પાછળ દર્દ છુપાવીને, દોડતો રહ્યો સૌને સારું લગાડવા, ખરા ટાણે કોણ ઉભુ રહે એ વાતની ખબર પડી ગઈ. વાતો અને કલ્પનામાં રાચવા કરતા વાસ્તવિકતા સ્વીકારીને જીવવામાં જ લાભ છે, બાકી આંધળો ભરોસો અતિ નુકસાનકારક છે એ વાતની ખબર પડી ગઈ! ભર ઉનાળે ઠંડીની ધ્રુજારી અને કડકડતી ઠંડીમાં પરસેવે રેબઝેબ થઈ જવાય, છતાં કોઈ પૂછે કેમ છે? તો મઝામાં કહેવાની ટેવ પડી ગઈ. કોઈના માટે ગમે એટલું કરવા છતાં તમારા માટે કશું ના વિચારનાર માટે સમય બગાડ્‌યાનું ભાન થઇ ગયું! મધ્યમ વર્ગના એક ભાઈને બધા સાથે હળીમળીને રહેવાની ટેવ હતી. મિલનસાર સ્વભાવના કારણે મિત્ર સર્કલ તેમજ પ્રતિષ્ઠિત લોકો સાથે સારા સબંધો હતા.જીવનની રહેણી- કેંણી પણ સારી હતી. સમજદાર લોકોમાં ગણના થવાથી સમાજ માટે સમયનું યોગદાન દેવા લાગ્યો. ક્યારેક ક્યારેક તો ઘરના અગત્યના કામ પડતાં મૂકીને સૌનું માન રાખવા જવું પડે એમ કરીને પોતાના પરિવાર કરતા લોકો માટે વધુ સમય કાઢવા લાગ્યા. પણ બધું બરાબર ચાલતું હતું ત્યાં સુધી કંઈ વાંધો નહોતો. અચાનક એક મોટો અકસ્માત થયો અને એક મહા મુશ્કેલીનું નિર્માણ થયું.પછી જે આત્મજ્ઞાન થયું એના અનુભવની વાત સાંભળીને જાણવા મળ્યું,પરિસ્થિતિ એવી આવી કે સહકાર દેવાના બદલે માત્ર સલાહ દેવા અને મુશ્કેલીમાંથી બહાર કાઢવાના બદલે પોતાના અંગત સ્વાર્થ ખાતર મુશ્કેલી વધારનાર વધુ મળવા લાગ્યા. અંતે તો “આપણે ભરોસે હાલીએ હો ભેરુ મારા આપણે ભરોસે આપણે હાલીએ”.માણસ પર ભરોસો રાખીને છેતરાયા પછી માણસથી અંતર રાખવાની ઈચ્છાઓ થવા લાગે. એના કરતાં અંતર્યામી ઈશ્વરના ભરોસે રહેવું એજ આખરી ઉપાય સુઝવા લાગે.મુશ્કેલી અને મોત અચાનક જ આવે છે. એના પ્લાનિંગ નથી હોતા. ઘણા સલાહ દેવાવાળા દુઃખને હળવું કરવાના બદલે વધારતા જાય ત્યારે કોઈને કહેવા કરતા મનોમન વાતો કરતા કરતા એકાંતમાં ઉજાગરા થઈ જાય. ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય કે એમાં તમારો એકલાનો વાક હોતો નથી. જેના માટે અને જેના લીધે તમે મુશ્કેલીમાં મુકાયા હોય એની વચલી કડી સ્વરૂપે તમારે બન્ને બાજુથી ખેંચવું પડે છે. હકીકતમાં વચલી કડી જેટલી જ જવાબદારી બન્ને બાજુની કડીની હોય છે તોજ સાકળ બનતી હોય છે. છતાં પણ વચલી કડીને બંધન એવું હોય કે તોડી પણ શકાય નહિ ને જોડાયેલ રહેવામાં વધુ શોચવું પડે છે. લાજ, શરમ, ઈજ્જત, આબરૂ આ બધા એવા પહેલું છે કે એને ઓઢ્યા પછી તમે છોડો તોય નડે અને અંદર ગૂંગળામણ થયા કરે. પરિસ્થિતિ સમજનાર કોઈ એકલ દોકલ વિરલ વ્યક્તિ હોય છે પણ એ લાચાર હોય છે. ઈચ્છા હોવા છતાં એ તમને ઉપયોગી થઇ શકતા નથી એ તેની મજબૂરી હોય છે. સમજવાવાળાનું બધું બરબાદ થતું હોય છતાં સામેવાળા જતુ કરવા તૈયાર નથી હોતા.જાત જાતના કડવા અનુભવના ઘૂંટ પિતા પિતા પણ સૌ સાથે રહેવું પડે અન ક્યારેક તો તમારા દુઃખ દર્દ મુશ્કેલી કે મૂંઝવણનો વિચાર કર્યા વિના પોતાના નાના એવા પ્રશ્ન માટે તમને પજવનાર લોકો પણ મળે છે. ત્યારે તમારા પ્રશ્નો થોડીવાર ભૂલી જઈને એના માટે સમય ફાળવતા ક્ષણિક દુઃખ ભૂલાયાનો અહેસાન કરતા હોય એવું ફીલ થાય.એક બાજુ એક મણનો ભાર જીલીને તમે ફરતા હોવ અને લોકોને માટે એના એક ગ્રામ જેટલા ભાર ને હલવો કરવા તમારો ઉપયોગ થતો હોય છતાં બધું સહન કર્યે જવાનું એનું નામ જિંદગી નહિ પણ જવાબદારી ગણાય. અંતે તો હરેક માણસને માટે કૈક ને કૈક જવાબદારી જીવવા માટેનું કારણ હોય છે.જવાબદારી વિનાનું જીવન સહેલું લાગે પણ અઘરું હોય છે. જીવનમાં જ્યારે બધા હથિયાર નાકામિયાબ નીવડે ત્યારે હાથવગું છેલ્લું હથિયાર ઍટલે રામ ભરોસે રહેવું. જો હોગા સો દેખા જાયેગા. પ્રારંભ પહેલા અંત ના હોય અને આરંભ એનો અંત એ નક્કી જ છે. પછી કેટ કેટલું પકડી રાખવું? અને ગમે એટલું પકડવા છતાં હાથમાં બધું રહેતું નથી તો શું કામ તડપવું. જેના માટે તમે ગને તેટલું સહન કરો છતાં એનું પરિણામ કંઈ મળતું ન હોય તો એનો અફસોસ નકામો છે. ઘણીવાર લોકો બીજા પર આરોપ લગાવીને પોતાની ભૂલોને છાવરતા હોય છે. હકીકતમાં માણસ બીજાની ભૂલો માટે મોટા જજ અને પોતાની ભૂલો માટે ખૂબ સારા વકીલની ભૂમિકા ભજવતા જોવા મળે છે. આવો અનુભાભવ થાય ત્યારે વધુ પડતું વિચારીને દુઃખી થવા કરતા જીવનરૂપી રંગમંચ પર આપણા ભાગે આવનાર રંગલાનું પાત્ર સમજીને અંદરથી દુઃખી હોવા છતાં બહારથી ખૂબ ખુશ દેખાવાના અને સૌને હસાવતા રહેવા. આ બધો દેખાયાનો દંભ છે. પડદો પડે એટલે સૌનો ખેલ ખતમ, પછી એ રજા હોય કે રંક. અંત સહુનો એક છે. જય હિન્દ.