બોસ, બકો અને અભણ અમથાલાલ એક સાથે ગામનાં ચોરે ભેગા થઈ ગયા. બકાએ વાતની શરૂઆત કરી.
‘ ‘ હમણાં અભણ અમથાલાલ દેખાતા નથી હોં. કાંઈ નિશાળ બીશાળ ચાલું કરી છે ? કે પછી હોસ્પિટલ ખોલી છે??
આ સવાલ હાંભળીને બોસનો મગજ છટક્યો.
‘ ‘બકા, તને સા બુ જેવું કાઈ છે કે નથી. અભણ અમથાલાલને આવું ભણેલા ધંધો કરે એવું પુછાય?
અભણ માણસો આવો ધંધો કરે ?’’
‘ ‘બોસ તમે ખાંડ ખાવ છો. અભણ માણસો આખાને આખા જિલ્લા હકાવે છે. તો નઈ નામાનું દવાખાનું કે, નોટ છાપવાની નિહાળ ના હકાવી હકે !??
અને તમે સાબુની વાત કેમ કરો છો? સાબુ તો ગામની દરેક દુકાને અને લારીએ લારીએ મળે છે.’’
‘ ‘બકા, એ સાબુની આ વાત નથી. સા બુ એટલે સામાન્ય બુદ્ધિ. અને તું રાજકારણને એક બાજુ મૂકીને વાત કર. આજકાલ રાજકારણમાં અંદરોઅંદર બોવ ડખા હાલે છે અને એ ડખામાં આપણે પડવું નથી. ’’
‘ ‘બોસ હું રાજકારણની વાત નથી કરતો. ઈ તો એનો કાયમી ધંધો કરતાં હોય છે. હું સામાન્ય માણસની જ વાત કરું છું. હાલો તમને હું ગુજરાતમાં અભણ માણસની હોસ્પિટલો બતાવું. ડોક્ટરો તો ભાડે જોઈએ એટલા અને જોઈએ એવા મળે છે.
પછી નિહાળ માય એવું છે. સરકારના રૂપિયા એંસી હજાર કે લાખ રૂપિયા સુધીનો પગાર લેનાર કામ એટલું નથી કરતો અને પાંચ કે આઠ હજાર વાળો તૂટી જાય એટલું કામ કરે છે.
આવું બધું ગુજરાતમાં હવે સામાન્ય બની ગયું છે.
એમાં અભણ અમથાલાલ બાકાત ન પણ હોય.’’
‘ ‘અરે.. પણ તું અમથાલાલને તો બોલવા દે. એ આજકાલ કરે છે શું!??’’
‘ ‘જો ભાઈ..! મારે તો હવે ઢાંઢા લેવા છે. અને મેં જોવાનું ‘ય શરૂ કરી દીધું છે.’’
બકાની આંખો ચમકી. ‘ ‘વાંઢા ? વાંઢા લયને તમે શું કરશો ?? અને એમાં ક્યાં જોવા જેવું છે? એક ગોતો તો હજાર જડે. ગામે ગામ આ પરિસ્થિતિ છે. પણ ..! તમે વાંઢા લયને કરશો શું ?? માણસો છોકરી ગોતે છે અને તમે વાંઢા.’’
અમથાલાલે માથું કૂટયું, ‘ ‘બકા બકા, તું આમ ઉતાવળો ના થા. હું વાંઢા નથી ગોતતો. ઢાંઢા, ઢાંઢા. મતલબ.. બળદ ગોતું છું અને એક ગાડુ ગોતું છું.’’
‘ ‘હા પણ, જગ આખું બળદ અને ગાડું કાઢી નાખે છે અને તમારે લેવાં છે ?? તમારે લેવો જ હોય તો ચિતલનો સનેડો લો સનેડો. પાવા ટોવાની માથાકૂટ નહીં. અને કામ કરશે મશીન. તમે છૂટાના છૂટા. બળદમાં તો બંધાય જાહો. ઈ ખીલે અને તમે ઘરમાં.’’
‘ ‘હવે મારી આખી વાત કોઈ હાંભળશો કે પછી .! ’’
‘ ‘તમે કઈ કઈને શું કહેશો ? બળદ રાખવા જોઈએ, બળદ રાખો તો ખેતી થાય, ખાતર થાય અને ગાયમાતાનો વેલો હાચવ્યો ગણાય. હારે હારે તેત્રીસ કરોડ દેવતાની પૂજા પણ કરી ગણાય. આપણાં ઘરડાઓ બળદનું ગઢપણ પણ પાળતા. તો પછી આપણે બે બળદ ના પાળી શકીએ !??
અને તમે મને એમ કયો કે, આટ આટલું કર્યા પછી ય ખેડૂત હતો ન્યાં નો ન્યાં જ છે. વેપારીઓ, નોકરીયાતો અને રાજકારણીઓ કેટલા આગળ વધી ગયા. અને હજીય તમારે બળદ અને ગાડુ લેવું છે ??’’
‘ ‘તમે હંધાય ભારે ઉતાવળા. મારી વાત પૂરી હાંભળતા નથી ને પોતાનો કક્કો જ હાંકો છે.’’
‘ ‘બોલો બોલો. તમારે શું કહેવું છે?’’
‘ ‘જૂઓ, ખેડૂતો હંધાય ગાડરીયા પ્રવાહ જેવા છે. એક કરે એમ બીજો કરે. ગામમાં કોરા ખેતરમાં એક કપાસીયા ચોપે એટલે વાંહે વાંહે લાઈન થાય.
એક ખેડૂત એકનું વાવેતર કરે એટલે બીજો પણ એ જ કરે. ભલા માણસ કાંઈક અલગ કરો, નવું વિચારો, ઝોખમ ખેડો. હું માનું છું કે, બળદ ગાડાનો જમાનો હવે નથી રહ્યો. પણ જરા હટકે વિચારો. મેં કેમ આવું કર્યું ઈ પુછો.’’
‘ ‘બોલો અભણ અમથાલાલ બોલો. આવો નવતર પ્રયોગ તમે કેમ કર્યો??’’
‘ ‘બળદ અને ગાડુ ખેતરમાં હાંકવાથી ભલીવાર નહીં વળે. એમાં તો આપણી પેઢીઓને નળિયાં ‘ય બદલ્યા નહોતા અને શાહુકારોએ શોષણ કર્યું ઈ અલગ. હવે તમે કાંઈક નવું વિચારો. હમણાં હમણાં મોંઘીદાટ ગાડીઓ, કરોડોની કિંમતની ગાડીઓ હાલતાં હાલતાં બંધ પડી જાય છે. અને નદી કાંઠે, દરિયા કિનારે એ ગાડી બંધ પડે પછી કોઈની મજાલ નથી કે, એને ખેંચીને બહાર કાઢી શકે. સિવાય કે આપણું બળદ ગાડુ. મેં હમણાં આવી એક કરોડની કિંમતની ગાડી ખેંચીને બહાર કાઢી. કરોડની ગાડીને બહાર કાઢવાનાં લાખ તો આપશેને ..!!! (ફોટો જ જોઈ લો)