અમદાવાદના શાહપુરમાં ફરીથી એમડી ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે ૧૫ ગ્રામનો રૂ. ૧.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ મામલે આરોપી સાહિદ શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આ જથ્થો સાહિદ શેખની એકટીવાની ડિક્કીમાંથી ઝડપ્યો હતો.
અમદાવાદમાં એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન તેને બાતમી મળી હતી કે શાહપુરમાં એક સ્કૂટીમાં એમડી ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિ ઊભો છે, આ બાતમીના આધારે એસઓજી તરત જ ત્યાં પહોંચી ગઈ હતી. તેણે બાતમીદારો દર્શાવેલા ખાસ સંકેતો પરથી આરોપી સાહિદ શેખને ઓળખી કાઢ્યો હતો.
પકડાયેલ આરોપી કેટલાય સમયથી એમડી ડ્રગ્સના હેરાફેરી કરતો હતો. આમ આરોપી ડ્રગ પેડલર હતો. શાહપુર પોલીસે ગુનો નોંધીને આ કેસમાં વધારે તપાસ શરૂ કરી છે. તેની સાથે તેને ડ્રગ્સ કોણે આપ્યુ અને તેણે ક્યાં-ક્યાં પહોંચાડવાનું હતું તેની જાણકારી મેળવવા માટે તેને પોલીસ કસ્ટડીમાં લીધો છે. આગામી દિવસોમાં તેને રિમાન્ડ પર પણ લેવામાં આવી શકે છે.
પોલીસનું માનવું છે કે આના લીધે અમદાવાદમાં કેફી દ્રવ્યોની ખેપ ક્યાં-ક્યાં થાય છે તેની માહિતી મળી શકે છે. તેની સાથે આરોપી ક્યાંથી ડ્રગ્સ લાવે છે તેના અંગે પણ મહત્વની જાણકારી મળી શકે છે. અમદાવાદમાં ડ્રગ્સ પકડાવવું જાણે હવે દારૂ પકડાવવા કરતાં પણ વધારે સામાન્ય વાત થઈ ગઈ છે. ડ્રગ્સ સુખી થયેલા અમદાવાદીઓનો નવો નશો છે. દારૂ તો હવે પરમિટથી પણ મળી જાય છે, તેથી કેટલાય લોકો તેની પરમિટ લઈ લે છે અથવા બીજાની પરમિટથી દારૂ મેળવે છે, પણ ડ્રગ્સ મેળવવું અઘરું છે. તેથી સાહિદ જેવા ડ્રગ્સ પેડલરોની ફોજ આમના માટે Âસ્વગીના ડિલિવરી બોય જેવું કામ કરે છે.