શહેરમાં ગુનાખોરીએ ફરીથી માથું ઉંચક્યું છે. ઉત્તરાયણના પર્વમાં શહેરના બહેરામપુરા, રામોલ અને વસ્ત્રાપુરમાં ત્રણ હત્યાના બનાવો બન્યા છે. વસ્ત્રાપુરમાં ઉત્તરાયણના આગલા દિવસે વૃદ્ધની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવી હતી. જ્યારે બહેરામપુરામાં પણ યુવકની હત્યાનો બનાવ બન્યો છે. બીજી તરફ વસ્ત્રાલમાં પુત્રએ પિતાની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખી છે. ત્રણ દિવસમાં ત્રણ હત્યાના બનાવ બનતા પોલીસના સલામતીના દાવા પોકળ સાબિત થયા છે.
વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા શિવમ આવાસ યોજનાના મકાનમાં રહેતા ૫૨ વર્ષીય ભારતી જાષીએ રામોલ પોલીસ સ્ટેશનમાં પુત્ર અલ્પેશ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, ગઈકાલે મિનેષ સવારે આઠ વાગે નોકરી પર જતો રહ્યો હતો અને બપોરે એક વાગ્યાની આસપાસ ઘરે જમવા માટે આવ્યો હતો. મિનેષે ભારતીને જણાવ્યું હતું કે ‘‘મને ભૂખ લાગી છે તું મને જમવાનું આપ.’’ ભારતીએ જમવાનું આપ્યું હતું જેમાં મિનેષે કહ્યું હતું કે ‘‘તે શાક સારું નથી બનાવ્યું.’’ મિનેષે ભારતી સાથે ઝઘડો કરીને પરત નોકરી પર જતો રહ્યો હતો. રાત્રે આઠ વાગ્યાની આસપાસ મિનેષ ફરીથી ઘરે આવ્યો હતો અને આવતાની સાથે જ ભારતી સાથે બબાલ કરવા લાગ્યો હતો. મિનેષ જેમ ફાવે તેમ બોલતો હતો તે સમયે અલ્પેશ ધાબા પરથી પતંગ ચગાવીને નીચે આવ્યો હતો.
અલ્પેશે ઝઘડો જોઈને મિનેષને સમજાવતો હતો કે ‘‘મારી મમ્મી સાથે ઝઘડો ના કરશો.’’ મિનેષે અલ્પેશની એક નહીં માનતા બબાલ ચાલુ રાખી હતી. મિનેષે અલ્પેશ સાથે મારામારી કરવાની શરૂ કરી દીધી હતી. બંને મારમારી કરતા ઘરની બહાર આવી જતા લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. દરમિયાનમાં અલ્પેશ ઘરમાં દોડી ગયો હતો અને છરી લઈને આવી ગયો હતો. મિનેષ કંઈ વિચારે તે પહેલા અલ્પેશે તેમને ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી દીધા હતા. મિનેષ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ભારતી ગભરાઈ ગઈ હતી જેથી તેણે અલ્પેશને તેની માતા શારદાબેનના ઘરે અમરાઈવાડી મોકલી આપ્યો હતો. ભારતીએ તરત જ ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી દીધી હતી. મિનેષને ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ રામોલ પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને હત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
બીજી તરફ બહેરામપુરા વિસ્તારમાં આવેલા સાકળચંદ મુખીની ચાલીમાં રહેતા રવી પઢીયારે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કિરણ ઉર્ફે મંગો ચૌહાણ, ગીરીશ ઉર્ફે ટીનો સરગરા, દેવા નામના યુવકો વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. રવી રાજસ્થાન હોસ્પિટલમાં ડોક્ટરની ગાડી ચલાવીને ગુજરાન ચલાવે છે. રવીના ભાઈ નીતિનની ગઈકાલે હત્યા કરી દેવામાં આવી છે. ગઈકાલે રવી પોસ્ટ ઓફિસની બહાર ગલી પર ઉભો હતો ત્યારે તેની બહેન મનીષાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે ‘‘હું નિતિન સાથે દૂધ લેવા માટે ગઈ હતી ત્યારે ઉંટવાળી ચાલી ખાતે કિરણ ઉર્ફે મંગો, ટીનો અને દેવાએ નિતિન પર હુમલો કરી દીધો હતો. ત્રણેયે ભેગા થઈને નિતિનને છરીના ઘા ઝીંકી દીધા છે.’’ જેથી રવી ત્યાં પહોંચી ગયો હતો જ્યાં નિતિન લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. નિતિનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે.શહેરના વસ્ત્રાપુર ખાતે આવેલા મોહિની ટાવરમાં કનૈયાલાલ ભાવસારની લાશ મળી આવી હતી. જેમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળ્યું હતું કે તેમનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.