(એ.આર.એલ),અમદાવાદ,તા.૨૭
અમદાવાદમાં પોલીસના નામે રૂપિયા પડાવતી ચાઇનીઝ ગેંગ ઝડપી છે. તેઓ વિદેશમાં મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહીને લોકોને ડરાવતા હતા અને પોલીસ કેસ થશે તેવી ધમકી આપી બ્લેકમેલ કરતા હતા. રાજસ્થાનમાં રૂપિયા આપીને તે બેન્ક ખાતા ભાડે રાખતા હતા. ઠગાઈના રૂપિયાની લેવડદેવડ આ બેન્ક ખાતામાં કરતા હતા. અમદાવાદ સાઇબર ક્રાઇમે આ રીતે ઓનલાઇન નાણા પડાવતી ચાઇનીઝ ગેંગના ત્રણ સાગરિતોની ધરપકડ કરી છે.
તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી એક એક આરોપી બિકાનેરમાં ચા ની કીટલી ચલાવતો હતો. જ્યાં ચા પીવા આવતા લોકોને કમિશનની લાલચ આપીને બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા, જેમાં ગેરકાયદેસર રીતે આવતા નાણાંના વ્યવહાર કરવામાં આવતા હતા, જે નાણાં ક્રિપ્ટો કરન્સીથી ચીનમાં મોકલવામાં આવતા હતા.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક યુવકના પાર્સલમાં ડ્‌ગ્સ અને પાસપોર્ટ હોવાનું કહીને સ્કાય પે થી વિડીયો કોલ કરીને તેના વિરૂદ્ધ કેસ કરવાની ધમકી આપીને ૧૦ લાખ રૂપિયાની પર્સનલ લોન લઇને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી હતી.તેમાં ટેકનીકલ સર્વલન્સના આધારે તપાસ કરતા નાણાં બિકાનેરમાં આવેલી એક બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ એકાઉન્ટમાંથી થયેલા અન્ય નાણાંકીય વ્યવહારને આધારે ફરીદાબાદ સાયબર ક્રાઇમના અધિકારીઓએ કેટલાંક આરોપીઓને ઝડપી લીધા હોવાની માહિતી મળી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમે આરોપીઓનો કબ્જા મેળવીને વધુ તપાસ હાથ ધરી હતી.આ આરોપીઓના નામ ઇન્દ્રજીત પવાર, રાહુલ ગેહલોત અને કૈલાશ કુકણા હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે પીઆઇ પરેશ મકવાણાએ જણાવ્યું હતું કે ઇન્દ્રજીત પવાર ચાની કીટલી ચલાવે છે અને તેને ત્યાં ચા પીવા આવતા ગરીબ અને જરૂરિયાત વાળા લોકોને પ્રતિમાસ પાંચથી આઠ હજાર રૂપિયાનું કમિશન આપવાનું કહીને તે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો. જ્યારે રાહુલ બીનાન્સ નામની એપ્લીકેશનથી ચાઇનીઝ વ્યક્તઓના સંપર્કમાં રહીને બેંક એકાઉન્ટની વિગતો મોકલતો હતો. તે પછી બેંક ખાતામાં આવેલા નાણાં બેંકમાંથી ઉપાડીને ક્રિપ્ટો કરન્સીથી ચીન મોકલવામાં આવતા હતા.આ સિવાય ફરીદાબાદ પોલીસે આરોપીઓ પાસેથી ૯૫ સીમ કાર્ડ, ૬૫ ચેક બુક અને ૬૧ એટીએમ કાર્ડ તેમજ ૯.૫૦ લાખની રોકડ પણ જપ્ત કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ચાઇનામાં રહેલી ગેંગ માટે કામ કરી ત્રણ મહિનામાં ૨૦ લાખથી વધુની કમાણી પણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે.