તાજેતરમાં અમદાવાદમાં જુદી જુદી સરકારી એજન્સીમાં મોટા અધિકારી હોવાની ઓળખ આપીને લોકો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપી ભરત છાબડાની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. રોની ઓળખ આપીને સરકારી કચેરીમાં પ્રવેશ મેળવતા ભરત છાબડાની તપાસ કરવા માટે છે પીએમઓથી સૂચના આપવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત સીએમઓ તરફથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ભરત છાબડાની ઇન્ક્વાયરી કરવા માટે જણાવવામાં આવ્યું હતું અને તેનાં કરતૂતો સામે આવ્યાં હતાં. ભરતની મોડસ ઓપરેન્ડી મહાઠગ કિરણ પટેલને પણ ભૂ પીવડાવે એવી છે. કિરણ પટેલે તો નેતાઓને જ શીશામાં ઉતારતો પણ ભરતનું નેટવર્ક તો પોલિટિશિયન્સથી લઈ પોલીસ સુધી ફેલાયેલું છે. હાલ કેટલાક પોલીસ અધિકારીઓના જીવ પણ અધ્ધર થઈ ગયા છે.
ભરત છાબડાએ જ્યારે જમ્મુમાં આવેલા વૈષ્ણોદેવી મંદિરમાં સિક્યોરિટી સાથે પ્રવેશ કર્યો ત્યારે એક અધિકારીને શંકા ગઈ હતી. જેથી તેણે પીએમઓનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર મામલો સામે આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન હવે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ભરત છાબડાની કરમ કુંડળી જાણવા મળી છે. તે અમદાવાદ પોલીસને દારૂની માહિતી આપી રોકડી કરતો હતો અને હરિયાણામાં પોલીસકર્મીની બદલીમાં ૫૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા સુધીની કટકી કરતો હતો. તે દરેક શહેરમાં મોબાઇલ નંબર બદલી કાઢતો હતો અને મોટાભાગે તે વાઇફાઇના માધ્યમથી સંપર્કમાં રહેતો હતો.
જ્યારે ગુજરાત પોલીસ તપાસ માટે હરિયાણા જાય ત્યારે તેને રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા ભરત કરતો હતો. આ સિલસિલો શરૂ થયા બાદ ભરત જ્યારે હરિયાણાના નાના લેવલના રાજકારણીઓ ગુજરાત આવતા ત્યારે તેને લેવા જવા માટે ગુજરાત પોલીસના કેટલાક કર્મચારીઓની મદદ લેતો હતો અને તેમના માટે ગાડીની વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી દેવામાં આવતી હતી. કારણ કે, તે તેની વ્યવસ્થા હરિયાણામાં કરતો હતો. ધીમે ધીમે તેણે આ નેટવર્કથી હરિયાણામાં પોતાનો હોલ્ટ ઊભો કર્યો અને તે પોલીસ કર્મચારીની બદલીમાં કટકી કરવા લાગ્યો હતો. હરિયાણામાં તે પોલીસ કર્મચારીની બદલીમાં ૫૦૦૦ રૂપિયાથી લઈને ૫૦,૦૦૦ રૂપિયા સુધીની કટકી કરતો હતો અને તેના પાવરફુલ નેટવર્કને જોઈને તે કામ પણ થઈ જતું હતું.
ક્રાઈમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર, ભરત થોડા સમય પહેલાં જમ્મુ-કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરે સિક્યોરિટી સાથે જતો હતો તે સમયે તેની અટકાયત કરી અને આ સમગ્ર મામલો કેન્દ્ર સરકાર પાસે ગયો અને ત્યાંથી ગુજરાતને જાણવાનું કહ્યું.
ત્યારે અમદાવાદ પોલીસ છેલ્લા બે-અઢી મહિનાથી ભરતની તપાસ કરી રહી હતી અને એની કરમ કુંડળી સામે આવી ગઈ હતી. ભરતના મોબાઇલમાંથી કેટલાક ડેટા મળી આવ્યા છે અને તેમાં પણ ખાસ કરીને તે હાલ પોલીસની તપાસ દરમિયાન કહી રહ્યો છે કે, મારી તો વિચારધારા આરએસએસની છે અને તમામ વાતો ઉપજાવી કાઢેલી હોવાનું હાલ પોલીસ માની રહી છે.