અમદાવાદ પોલીસે કાર્યશૈલીમાં મોટો બદલાવ કર્યો છે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા પોલીસ કર્મચારીઓને મોટા આદેશ છૂટ્યા છે. અમદાવાદના નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓનો સમય વધારી દેવાયો છે.
અમદાવાદ પોલીસમાં મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે. પોલીસ કમિશ્નર દ્વારા પીઆઇ તેમજ અન્ય અધિકારીઓને સૂચના અપાઈ છે. બપોરે ૧૨ થી ૨ વાગ્યા વચ્ચે પણ મુલાકાતીઓને મળવા સૂચના અપાઈ છે. તો મુલાકાતીઓને લેખિત અરજી સ્વીકારીને કાર્યવાહી કરવા આદેશ અપાયા છે.
પીઆઇ કક્ષાના અધિકારીને બપોરે ૧૨થી ૨ અને સાંજે ૪ થી ૬ વચ્ચે લોકોને મુલાકાત આપવી તેવું પોલીસ કમિશનરે પોતાના આદેશમાં સ્પષ્ટ જણાવ્યું છે. આ ઉપરાંત પોલીસ ઈન્સપેક્ટર ફરજિયાત પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની કડક સૂચના છે. આ ઉપરાંત થાના અમલદારોએ દરરોજ ૬ થી ૯ પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકીંગ સહિતની કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે.
આમ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અમદાવાદના નાગરિકોની સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. પ્રજાને અમદાવાદ પોલીસ તરફથી સારો પ્રતિસાદ મળી રહે અને તેમની સમસ્યાનું જલ્દીથી નિરાકરણ આવે તે હેતુથી આ પ્રકારના નિર્ણયો લેવાયા છે. બીજી તરફ, અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીઓને મળવાનો સમય ઓછો હતો, તેથી સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે હેતુથી આ નિર્ણયો લેવાયા છે.