અમરેલી નગરપાલિકાના પૂર્વ સભ્ય રમેશભાઇ ધાનાણીએ શહેરમાં સંકુલ સામે રોડ પર ગટરનું કામ એસ્ટીમેટ મુજબ થતું નથી અને તે ગુણવત્તા વગરનું હોવાની ગાંધીનગર સુધી રજૂઆત કરી છે. તેમણે આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ, અમરેલી-કલેક્ટર, પ્રાંત અધિકારી, નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને કામની તપાસ કરાવવા માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમરેલી નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નં. ૫માં પટેલ સંકુલ સામેના રોડ પર ગટરનું કામ ચાલુ છે, આ કામ એસ્ટીમેટ મુજબ કરેલ નથી. આ કામ પી.સી.સી. અને લેવલ વગર કરેલ છે અને જે પાઈપ વાપરવામાં આવ્યા છે તે પણ હલકી ગુણવત્તાવાળા વાપરવામાં આવે છે જેથી સરકારના કામ નિયમ મુજબ થતા નથી. આ ઉપરાંત તેમણે આ કામમાં ખુબ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે તેવો આક્ષેપ કર્યો હતો. આ કામનું ચેકીંગ, બીલ બનાવનાર એજન્સી અને નગરપાલિકાના બાંધકામના ટેકનીકલ અધિકારીની હાજરી વગર કામ થઇ રહ્યું છે. જેથી આ કામની ટેકનીકલ ટીમ દ્વારા તપાસ કરાવીને તેના નાણા ચૂકવાય તેવી માંગ કરી છે.