અમરેલી લાઠી રોડ પર આવેલ માણેકસ્થંભ કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. જેને અંતે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી. સુરત, રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ એકશન મોડમાં દેખાઈ રહ્યુ છે. જા અમરેલીમાં આવી ઘટનાઓ બને તો શું કરવું તે અંગે શહેરના વિવિધ વિસ્તારોમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલ્ડીંગમાં રહેતા લોકો જયારે આગ લાગે ત્યારે બેબાકળા બની જતા હોય છે. આગ લાગે ત્યારે શું કરવું, શું કાળજી લેવી તે અંગે લોકોને સમજણ મળે તે માટે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રીલ સમયે ઘાયલ લોકોને ૧૦૮ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મોકડ્રીલ સમયે લાઠી રોડ બંધ કરી દેવાયો હતો. મોકડ્રીલ સમયે પ્રાંત અધિકારી, પોલીસ અને પીજીવીસીએલની ટીમ હાજર રહી હતી.