અમરેલી તાલુકાના સરંભડા ગામે શરદભાઈ કાછડીયાના ઘરમાંથી રમેશભાઈ કનુભાઈ હરીયાણી (ઉંમર આશરે ૪૦ વર્ષ)ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની વિગત જોઈએ તો સરંભડા ગામના સરપંચને શરદભાઈ કાછડીયાના બંધ મકાનના ડેલામાં એક પુરુષનો મૃતદેહ પડ્‌યો હોવાની માહિતી મળી હતી. આ અંગે તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા આ મૃતદેહ રમેશભાઈ હરીયાણીનો હોવાનું જાણવા મળ્યું હતું.
મૃતકના શરીર પર નાની મોટી ઈજાના નિશાન જોવા મળતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડ્‌યો હતો. ઘટનાની તપાસ કરતા પોલીસે ચાર વ્યક્તિઓની અટકાયત કરી હોવાનું પણ જાણવા મળે છે. સાચું કારણ તો સમગ્ર ઘટનાની તપાસ બાદ જ જાણવા મળશે પરંતુ બંધ મકાનમાં પુરૂષની લાશ મળતા સરંભડા ગામમાં ચકચાર મચી જવ પામી છે.