અમરેલી જિલ્લામાં યમરાજાએ જાણે મુકામ કર્યો હોય તેમ પાણીમાં ડૂબી જવાની બે ઘટનાઓ સામે આવી છે. બપોરના સમયે બગસરા તાલુકામાંથી વીજ કર્મીનો
મૃતદેહ મળી આવ્યો હતો ત્યાં સાંજના સુમારે અમરેલી તાલુકાના ખડખંભાળીયા ગામે શ્રમીક પરિવારના ત્રણ બાળકોના ડૂબી જવાથી મોત નિપજ્યાંની ઘટના બનતાં અરેરાટી પ્રસરી જવા પામી છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ૧પ દિવસથી મેઘરાજાએ મુકામ કર્યો હોવાથી વરસાદના કારણે અનેક નદી – નાળા અને ચેક ડેમો છલકાયા છે. ત્યારે અમરેલી તાલુકાના ખડખંભાળીયા ગામે હનુભાઇ વિક્રમભાઇની વાડીએ મજૂરી કામ કરતાં રાજસ્થાની શ્રમિક પરિવારના ત્રણ બાળકો નિલેશ માનસિંહ પારઘી (ઉ.વ.૧૦), મીનાક્ષી (ઉ.વ.૭) અને સમીર (ઉ.વ.પ) અને અન્ય બે બાળકો પાણીના ખાડામાં ન્હાવા પડ્યા હતાં. અન્ય બાળકોએ પરિવારને ખાડામાં બાળકો ડૂબી ગયાની જાણ કરતાં શ્રમિકોએ શોધખોળ શરૂ કરી હતી જેમાં પાણીના ખાડામાંથી ત્રણ બાળકોના
મૃતદેહ મળી આવતાં શ્રમિક પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. ત્રણ બાળકોમાંથી બે બાળકો સમીર અને મીનાક્ષી સગા ભાઇ બહેન હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની ગામના સરપંચ ભાભલુભાઇ વાળાએ ૧૦૮ને જાણ કરતાં ૧૦૮ દ્વારા ત્રણેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. શ્રમિક પરિવારના ત્રણ બાળકો ડુબી ગયાની જાણ થતાં પરિવારમાં ભારે આક્રંદ છવાયો હતો.

 

પાંચ બાળકો ન્હાવા માટે ગયા હતાં
શ્રમિક પરિવાર કપાસ સોપવાનું કામ કરી રહ્યો હતો ત્યારે તેમના બાળકો ખેતરની નજીક આવેલા પાણી ભરેલા ખાડામાં ન્હાવા ગયા હતાં જેમાં ત્રણ બાળકો ન્હાવા પડ્યા હતાં. અને બે બાળકો ખાડાની પાસે ઉભા હતાં ત્રણેય બાળકો એક પછી એક પાણીમાં ગરક થઇ ગયા બાદ અન્ય બે બાળકોએ ખેતરે જઇ પરિવારને આ ઘટનાની જાણ કરી હતી.શ્રમિક પરિવાર ઘટના સ્થળે દોડી ગયો હતો.

 

આ ઘટનાથી અમરેલી ડિઝાસ્ટર ઉંઘતું ઝડપાયું
ચોમાસાની શરૂઆત પૂર્વે જ વહીવટી તંત્ર દ્વારા ડિઝાસ્ટર રૂમ કાર્યરત કરવામાં આવે છે અને જિલ્લામાં બનતી આકસ્મીક ઘટનાઓની નાનામાં નાની માહિતી જાણકારી રાખવાની હોય છે ત્યારે ચોમાસામાં જ અમરેલી ડિઝાસ્ટર કચેરી ઉંઘતી ઝડપાઇ છે. જેમાં અમરેલી નજીક આવેલા ખડખંભાળીયા ગામે ત્રણ બાળકો ડૂબી ગયા હોવાથી કોઇ જાણકારી ડિઝાસ્ટર કચેરી પાસે ન હોવાનું જાણા મળ્યું છે. ડિઝાસ્ટર કચેરીને પણ મીડિયા મારફતે આ ઘટનાની માહિતી મળી હતી.