અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતની સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચે રાત્રી પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નવનિયુક્ત પી.આઈ. વિજય કોલાદરાની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. મોટા માંડવડા ગામની સીમમાં સનાળીયા જવાના કાચા રસ્તા પરથી શાયરભાઈ કાળુભાઈ ગોરીને દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ચારે તરફથી ઘેરાબંધી કરીને ધરપકડ કરી હતી. આરોપી પાસેથી લાયસન્સ વગરનું અગ્નિશસ્ત્ર મળી આવ્યું હતું. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે આ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું, કોને આપવાનું હતું અને કોઈ ગંભીર ગુનો આચરવાનો ઇરાદો હતો કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે.