અમરેલી તાલુકાના રાજસ્થળી ગામમાં રહેતા એક મુસ્લિમ પરિવારના દોઢ વર્ષના બાળકનું શંકાસ્પદ મોત થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે બાળકની લાશનો કબજા કરી ભાવનગર ફોરેન્સીક પીએમ માટે મોકલી આપી હતી. જા કે પ્રાથમિક વિગત મુજબ બાળકની હત્યા થઈ હોવાનું સામે આવતા પોલીસે જીવણટભરી તપાસ કરતા બાળકની હત્યા તેની દાદીએ જ કરી હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે રહેણાંક મકાનમાંથી મુસ્લિમ પરિવારનો દોઢ વર્ષીય બાળક બચકા ભરેલી હાલતમાં મળી આવતા ગ્રામજનોએ તાત્કાલિક આ અંગે અમરેલી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બાળકની લાશને અમરેલી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. બાળકના શરીર પર બચકા ભરેલા નિશાન હોવાથી બાળકના મોતનું સાચુ કારણ જાણવા માટે લાશને ભાવનગર ફોરેન્સીક પીએમ માટે ખસેડી હતી. જયાં બાળકને બચકા ભરી મોતને ઘાટ ઉતાર્યો હોવાની પોલીસને પ્રાથમિક વિગતો મળી હતી જેથી પોલીસે આ અંગે તપાસ હાથ ધરતા બાળકની હત્યા તેના દાદી કુલસન હુસૈનભાઈ સૈયદે કરી હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે, બાળક વારંવાર રડતો હોવાથી બાળકને ગાલ પર માર મારી શરીરે બટકા ભરવામાં આવ્યા હતા જેથી બાળકનું મોત થયુ હતું. પોલીસે દાદી કુલસનબેન સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આમ, બાળક રડવાને કારણે તેની હત્યા કરવામાં આવતા દાદી પર ફીટકાર વરસી રહ્યો છે. અમરેલી તાલુકા પોલીસે ફરિયાદી બની દાદીની ધરપકડ કરી હતી.

માતા બાજુમાં રૂમમાં હતી તો ખબર કેમ ન પડી ?
રાજસ્થળી ગામે કુલસનબેન સૈયદે પોતાના પૌત્રને માર મારી બચકા ભરી હત્યા નિપજાવી હોવાના સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. જાણવા મળતી માહિતી મુજબ પૌત્ર પોતાની દાદી પાસે હોય અને વારંવાર રડતો હોવાથી દાદી કુલસને આ હત્યાને અંજામ આપ્યો હતો. જા કે જયારે બાળકને માર મારવામાં આવ્યો ત્યારે બાળકની માતા બાજુના રૂમમાં હતી તો પછી આ ઘટના અંગે માતાને કેમ ખબર ન પડી તે પણ એક સવાલ છે. હાલ તો પોલીસ તમામ પાસાઓ ચકાસી રહી છે.