લાઠી તાલુકાના હાવતડ અને ઇગોરાળા વચ્ચે ગત મોડી રાત્રે રીક્ષા અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. મૃતકોમાં બે પુરૂષ અને એક બાળકીનો સમાવેશ થાય છે. મૃતકોની ડેડબોડીને દામનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાલ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લાઠી તાલુકાના હાવતડ અને ઇંગોરાળા ગામ વચ્ચે રીક્ષા અને બાઇક વચ્ચે ધડાકાભેર જારદાર ટક્કર સર્જાઇ હતી. લીલીયા નજીક આવેલા ખારા ગામનો દેવીપુજક પરિવાર જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા (ઉ.વ.૨૫) દિનેશભાઈ મનુભાઇ વાઘેલા (ઉ.વ.૩૩) અને દિનેશભાઈની બે વર્ષની પુત્રી રાજલ ત્રણ સવારી બાઇકને દામનગર જવા નીકળ્યા હતા. આ દરમિયાન સામેથી આવી રહેલી રીક્ષા સાથે ટક્કર સર્જાતા એક જ પરિવારના ત્રણેય સભ્યોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે રીક્ષા ચાલકને ગંભીર ઇજા પહોંચતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
અકસ્માતની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતકોની ડેડબોડીને પી.એમ. અર્થે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.