રાજયમાં છેલ્લાં પાંચ દિવસથી શિયાળાએ પકડ જમાવતા લોકો રીતસરના ધ્રુજી ઉઠયા છે. અમરેલી જિલ્લામાં પણ સવારે અને રાત્રે ઠંડીએ હાહાકાર મચાવતા લોકો ઠુંઠવાઈ રહ્યાં છે. શિયાળાને કારણે અમરેલી શહેરમાં રાત પડતાની સાથે જ કુદરતી કર્ફ્યૂ જેવો માહોલ થઈ જાય છે. આમ જાવા જઈએ તો દિવાળીના સમયે જ ઠંડીની શરૂઆત થઈ જતી હોય છે પરંતુ આ વર્ષે વાદળછાયું વાતાવરણ વારંવાર રહેતું હોવાથી ઠંડી ગાયબ થઈ ગઈ હતી પરંતુ કમોસમી વરસાદ અને ઠંડા પવનને કારણે ઠંડીએ બોકાસો બોલાવ્યો હતો જેથી અમરેલીની ગરમ કપડાની બજારમાં ‘ગરમાવો’ દેખાઈ રહ્યો છે. દરેક સિઝન પ્રમાણે અર્થતંત્રના જુદા-જુદા ક્ષેત્રોમા માર્કેટમાં તેજી મંદી આવતી હોય છે. ભારતમાં ત્રણ પ્રકારની ઋતુ અનુભવાતી હોવાથી સિઝનલ ધંધો કરનારા લોકો પણ છે. અમરેલીમાં ગરમ કપડાની માંગ વધતા ગરમ કપડા વેચવા અન્ય રાજયોમાંથી સેલ્સમેનો આવતા હોય છે અથવા તો સ્થાનિક વેપારીઓ અન્ય રાજયોમાં જઈ ગરમ કપડાની ખરીદી કરતા હોય છે. અમરેલીમાં ગરમ કપડા વેચવા આવતા વેપારીઓએ જણાવ્યુ હતું કે, છેલ્લાં બે વર્ષ દરમિયાન વેપાર કરવા આવી શકયા નહોતા. કોરોના બાદ ઘરાકી ઓછી છે પરંતુ ડિસેમ્બર મહિનો શરૂ થતા હવે ઘરાકી નિકળશે તેવી સ્થાનિક વેપારીઓ આશા સેવી રહ્યાં છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી વાતાવરણ ટાઢુંબોળ રહેતા લોકોએ ગરમ કપડાની ખરીદી તરફ દોટ લગાવી છે. જા કે છેલ્લાં ઘણા સમય બાદ ઘરાકી નિકળતા ગરમ કપડાના વેપારીઓના ચહેરા પર ખુશી જાવા મળી રહી છે.