અમરેલી શહેરની માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. બલભદ્રસિંહ આર. ચુડાસમાનો વિદાય સન્માન સમારોહ અમરેલી જિલ્લા વિદ્યાસભા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન એન.સી. ગાંધી મહિલા આટ્ર્સ એન્ડ કોમર્સ કોલેજ-ભાવનગરના કાયમી પ્રિન્સિપાલ તરીકે પસંદગી થતાં તેમની વિદાયનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાની ૪૦થી વધુ સંસ્થાઓ અને વ્યક્તિવિશેષોએ હાજરી આપી હતી. વિદ્યાર્થીનીઓએ પણ પોતાના પ્રિય પ્રિન્સિપાલને ભાવભીની વિદાય આપી હતી. ડો. ચુડાસમાએ છેલ્લા પાંચ વર્ષમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે કોલેજના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમણે કોલેજને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા અપાવી હતી.