“સહકારથી સમૃદ્ધિ” ના મંત્રને સાકાર કરવા ભારત અને ગુજરાત રાજય સરકાર કાર્યરત છે. દિલ્હી ખાતે ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ અમરેલી સ્થિત અમર ડેરી ખાતે ચેરમેન અશ્વિનભાઈ સાવલીયાની રાહબરી નીચે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ અને મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના મહાનુભાવોએ સહકારિતા ક્ષેત્રની પ્રવૃત્તિઓના આયોજન અને તેના દ્વારા થતી આર્થિક ઉન્નતિ વિશેની વિગતો તેમના પ્રવચનમાં જણાવી હતી. દેશમાં નવરચિત ૧૦ હજાર M- PACS, Dairy અને Fishery કો-ઓપરેટિવ સોસાયટીમાં રાજયની ૫૧૩ સહકારી સંસ્થાઓ અને અમરેલી જિલ્લામાં નવી નોંધાયેલ પાંચ સેવા સહકારી મંડળી તેમજ ૨૪ દૂધ સહકારી મંડળીઓને તેમના રજિસ્ટ્રેશનના આદેશ તથા ધિરાણ અને વસૂલાત વૃધ્ધિ ૧૩ મંડળીઓને રુ.૧૧,૫૭,૫૦૦ની સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ સહાય હુકમ વિતરણના સહકારી કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર સંદિપ ભટ્ટે જણાવ્યુ કે, અમરેલી જિલ્લામાં નવતર પહેલના ભાગરુપે દિવ્યાંગજનોની સહકારી મંડળી શરુ કરવામાં આવશે. આગામી સમયમાં તેની નોંધણી સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આથી, સહકારી મંડળીને લગતી કામગીરી માટે અમરેલી જિલ્લાના દિવ્યાંગજનોને તેનો લાભ લેવા અનુરોધ છે. અમરેલી અમર ડેરી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા સહકારી મંડળી રજિસ્ટ્રાર સંદિપ ભટ્ટ, ડા. પટેલ, જયંતિભાઇ પાનસુરિયા, શંભુભાઇ, ભાવનાબેન ગોંડલિયા, ત્રાપસિયા, પ્રવીણભાઇ માંગરોળિયા, કોઠીયા, ધાર્મિકભાઇ રામાણી, અમરેલી જિલ્લા સહકારી ક્ષેત્રના અગ્રણીઓ જોડાયા હતા.