અમરેલી શહેર કડવા પાટીદાર સમાજ દ્વારા લીલીયા મોટામાં યોજાનાર ઉમિયા માતાજીના પાટોત્સવ માટે નીકળેલી ભવ્ય કાર રેલીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સામાજિક અને વૈચારિક ક્રાંતિ સાથે સમાજના ઉત્કર્ષ અને વિકાસ માટે નીકળેલી આ રેલીમાં ૫૧થી વધુ કાર અને ૨૦૦થી વધુ લોકો જોડાયા હતા. અમરેલી શહેરમાં રેલી પહોંચતા તુલસી પાર્ટી પ્લોટ ખાતે ફુલહાર અને પુષ્પવર્ષાથી રેલીનું સામૈયું કરવામાં આવ્યું હતું. કડવા પાટીદાર સમાજના આગેવાનોએ સમાજની સંગઠન શક્તિને મજબૂત બનાવવા અને નવી પેઢીને સમાજ રચના સાથે જોડવા માટે અપીલ કરી હતી. ભાવિ પેઢીમાં આધ્યાત્મિક અને સામાજિક ચેતના પ્રજવલિત થાય તે માટે આવા કાર્યક્રમોને સફળ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ આ કાર રેલી લીલીયા મોટા જવા રવાના થઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કડવા પાટીદાર સમાજના અનેક આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.