અમરેલીમાં ટ્રેનીંગ સેન્ટરનું એક પ્લેન ટ્રેનીંગ દરમિયાન ક્રેશ થતા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે દોડી ગયુ હતુ. રહેણાંક મકાનમાં જ પ્લેન ક્રેશ થતા સદનશીબે કોઈ જાનહાની થઈ નહોતી પરંતુ ટ્રેઈની પાયલોટનું મોત નિપજ્યુ હતુ.અમરેલીના ભૂતિયા ગામ રોડ ઉપર આવેલ શાસ્ત્રીનગરનાં રહેણાક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની ટીમ અને પોલીસતંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો, જ્યાં તેમણે બચાવ કામગીરી શરૂ કરી હતી.ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ, જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય, ત્યારે આજે ટ્રેઈની પાયલોટ અનિકેત મહાજન, જે પોતે પોતાની તાલીમ દરમિયાન લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન ચારેય વાર ટેકઓફ કર્યું. લેન્ડ કરીને પાછું ફરીવાર ટેકઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈપણ કારણસર તેનું પ્લેન ક્રેશ થયું હતું. ફાયર ઓફિસર એસ. સી. ગઢવીએ જણાવ્યું હતું કે ૧૨ઃ૩૦ કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના ક્રેશ થવાની દુર્ઘટના બની હતી, જેને ટેલિફોનિક ફાયરિંગ ઈમર્જન્સી સર્વિસની અંદર કરતાં તાત્કાલિક ધોરણે ૪ મીનીટની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવ્યો હતો. એપ્રોચ કરતાંની સાથે રેસ્ક્યૂ ટીમ દ્વારા અંદર એક પાઈલટ ફસાયેલો હતો, જેને બહાર કાઢીને ૧૦૮ને સોંપવામાં આવેલા હતા. એરક્રાફ્‌ટની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ હોઈ શકે, જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, એવા બ્લેકબોક્સને શોધીને અત્યારે અમે વહીવટી તંત્રને સોંપવાના પ્રયત્નો કર્યા છે. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતી, જેણે જીવ ગુમાવ્યો હતો.પ્લેન ક્રેશનાં કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે. પાયલોટને બચાવવા જતાં વિશાલભાઈ રવજીભાઈ માધડ અને સંજયભાઈ વાઘજીભાઈ ડાભી આગને કારણે ઈજાગ્રસ્ત થયા હતા.

ટ્રેઈની પાયલોટે ચાર વાર ઉડાન કર્યુ હતુ : એસ.પી.સંજય ખરાત
જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતુ કે ટ્રેનીંગ સેન્ટરની તમામ મંજૂરી લેવામાં આવી છે જા કે પ્લેન ક્રેશ કેમ થયુ પ્લેનમાં કોઈ ખામી હતી કે નહી તેની તપાસ એજન્સીવાળા કરશે. ટ્રેઈની પાયલોટને એકલા ઉડાવવાની મંજૂરી આપવામાં આવી હતી. સવારથી લઈ પ્લેન ક્રેશ થયુ ત્યાં સુધી ચાર વાર તો ૩૦-૩૦ મીનીટ ઉડાન ભરવામાં આવી હતી.

એરપોર્ટ મેનેજરે ફોન ઉપાડવાની તસ્દી લીધી નહી
આ બાબતે એરપોર્ટ મેનેજર જીગર ભટ્ટનો સંપર્ક કરવામાં આવતા તેમણે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી નહોતી. આવી ગંભીર ઘટના બાબતે ફોન ન ઉપાડવામાં તેમની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.

અમદાવાદથી પ્લેન ક્રેશની તપાસ કરવા કમીટી રવાના
અમરેલીમાં બપોરના સમયે પ્લેન ક્રેશ થતા ટ્રેઈની પાયલોટનું મોત થયુ હતુ જા કે પ્લેન ક્રેશ થવાનુ કારણ શું? તે જાણવા માટે અમદાવાદથી કંપનીના અધિકારીઓ આવી પહોચ્યા હતા. જે પ્લેન ક્રેશ થવાના કારણોની તપાસ કરશે. પ્લેન અચાનક જ ક્રેશ થવા પાછળના કારણોની જાણકારી મેળવશે.

પ્લેન ક્રેશ થતા લોકોના ટોળા ઉમટ્યા
અમરેલી શહેરમાં પ્લેન ક્રેશ થયુ હોવાની ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતા શહેરના દરેક વિસ્તારમાંથી લોકો દોડી આવ્યા હતા. આ ઘટના શાસ્ત્રીનગરમાં બનતા શાસ્ત્રીનગરના રહેવાસીઓના પણ ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પ્લેન અગનગોળામાં ફેરવાતા પ્લેનને ઠારવાના પણ સ્થાનિકોએ પ્રયાસ કર્યા હતા.

ઓળખપત્ર પરથી મૃતક પાયલોટ અમદાવાદનો હોવાનુ ખુલ્યુ
અમરેલીમાં પ્લેન ઉડાવવાની ટ્રેનીંગ ચાલી રહી છે ત્યારે અચાનક આજે બપોરના સમયે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થઈ જતા પ્લેન ચલાવી રહેલા ટ્રેઈની પાયલોટ અનિકેત મહાજનનું મોત થયુ હતુ. જો કે પોલીસ તપાસ દરમિયાન ટ્રેઈની પાયલોટ અદાણી શાંતિગ્રામ અમદાવાદનો હોવાનુ તેના ઓળખપત્ર પરથી સામે આવ્યું હતુ. જો કે ટ્રેઈની પાયલોટ મુળ ગુજરાતનો છે કે નહી તે અંગે હજુ કોઈ જાણકારી મળી નથી

વીએફટીઆઈ ટ્રેનીંગ સેન્ટરમાંથી ટ્રેનીંગ અપાય છે
અમરેલી શહેરમાં હવાઈ જહાજ ઉડાવવવાની ટ્રેનીંગ માટેનું સેન્ટર મળ્યુ હતુ. રાજયની ખાનગી કંપની વીએફટીઆઈને વિમાન ઉડાવવાની ટ્રેનીંગ આપવામાં માટેનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જા કે છેલ્લાં એક વર્ષ કરતા વધારે સમયથી ટ્રેનીંગ સેન્ટર ચાલે છે પરંતુ અચાનક પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાતા ટ્રેઈની પાયલોટનું મોત થયુ હતુ.

પ્લેન ઝાડ સાથે અથડાઈ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયુ
અમરેલીમાં ટ્રેઈની પાયલોટે પ્લેન ટ્રેક ઓફ કરતા જ ઝાડ સાથે અથડાયુ હતુ. પ્લેન ઝાડ સાથે અથડાયા બાદ રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયુ હતુ. જો કે રહેણાંક વિસ્તાર હોવા છતાં આ જગ્યા પર કોઈની અવરજવર ન હોવાથી કોઈ જાનહાની થઈ નહોતી.

પ્લેનનું ટ્રેનીંગ સેન્ટર બંધ કરવા રજૂઆત કરી હતી : અજય અગ્રાવત
અમરેલીમાં રહેતા અજયભાઈ અગ્રાવતે આક્રોશ સાથે જણાવ્યું હતું અમરેલીમાં જયારથી પ્લેનનું ટ્રેનીંગ સેન્ટર ચાલુ થયુ છે ત્યારે લોકો ભયમાં જીવતા હતા અને આ ભય આજે સાચો પડ્યો હતો. અમરેલીમાં પ્લેનની ઘરરાટી બંધ કરવા માટે કલેકટર, જિલ્લા પોલીસ વડા, ધારાસભ્ય, સાંસદને લેખીત રજૂઆત કરી હતી પરંતુ કોઈ રજૂઆત ધ્યાને લેવામાં આવી નહોતી તો આ રજૂઆત ધ્યાને લઈ કડક કાર્યવાહી કરી હોત તો આવી દુર્ઘટના અમરેલીમાં ન બની હોય તેમ અંતમાં જણાવ્યું હતુ.

પાયલોટને બચાવવા જતા પ્લેનમાં બ્લાસ્ટ
પ્લેન ક્રેશનો અવાજ સાંભળી બહાર દોડી આવેલા વિશાલ માધડે જણાવ્યું હતુ કે,અમરેલીના શાસ્ત્રીનગરમાં પ્લેન નીચે પડતા જ લોકોએ પ્લેનમાં સવાર પાયલોટને બચાવવા માટે દોડયા હતા જેમાં તેના કપડા જ દેખાતા હતા પ્લેનમાંથી પાયલોટને બહાર કાઢતી વખતે જ પ્લેનમાં બ્લાસ્ટ થયો હતો જેથી ત્રણ લોકો દાઝી ગયા હતા. હાલ ઈજાગ્રસ્તોને અમરેલી સીવીલમાં સારવાર ચાલુ છે.

પ્લેનમાં ફસાયેલા પાયલોટનું રેસક્યૂ કરવાનો પ્રયાસ
અમરેલીના શાસ્ત્રીનગરમાં રહેતા પિન્ટુભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્લેન ક્રેશ થતા પ્લેનમાં સવાર પાયલોટને બચાવવા માટે લોકો દોડ્યા હતા અને પાયલોટને બહાર કાઢવામાં આવ્યો હતો. જા કે પાયલોટ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી તાત્કાલિક ૧૦૮ને જાણ કરવામાં આવી હતી
આભાર – નિહારીકા રવિયા