અમરેલીમાં પોલીસના સઘન પેટ્રોલિંગના દાવા વચ્ચે તસ્કરોનો આતંક યથાવત છે. શહેરમાં રહેતા એક પ્રૌઢ સહ પરિવાર ગાંધીનગર ગયા ત્યારે ઘરમાં ત્રાટકેલો ચોર ઇસમ સોનાના દાગીના, રોકડા મળી કુલ રૂ.૫૭,૦૦૦ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે જયંતિભાઈ લવજીભાઈ ચૌહાણ (ઉ.વ.૬૪)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પરિવાર સાથે ગાંધીનગર મુકામે ગયા હતા ત્યારે મકાનનું તાળું તોડી પ્રવેશ કરી કબાટના લોકરમાં રાખેલી સોનાની બે વીંટી, સોનાની ત્રણ બુટ્ટી, કાનના સોનાના બે દાણા, સોનાની ત્રણ ચુક, રોકડા ૮૦૦૦ મળી કુલ ૫૭,૦૦૦ની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.કે.જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.